વિંગ કમાન્ડર અભિનંદનને વીરતા પુરસ્કાર એવોર્ડ એનાયત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Abhi-1.jpg)
નવી દિલ્હી, ભારતીય સેનાના નાયકોને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વીરોને મરણોપરાંત સન્માન પણ મળ્યું. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત અલંકરણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ સહભાગી બન્યા હતા. ભારતીય વાયુસેના માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની રહ્યો.
27 ફેબ્રુઆરી, 2019ના રોજ એક પાકિસ્તાની F-16 ફાઈટર વિમાનને હવાઈ યુદ્ધમાં તોડી પાડનારા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા પરંતુ હવે તેમને પ્રમોટ કરીને ગ્રુપ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે.
4 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રિના સમયે પાકિસ્તાનના બાલાકોટ ખાતે એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300 કરતા વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig-21 ઉડાવી રહ્યા હતા જેની મદદથી તેમણે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું.