વિજાપુરની મહિલા નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત
નવી દિલ્હી, ગુજરાતમાં ઓમિક્રોનના વધુ એક કેસની પૃષ્ટિ થઈ છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૫ થઈ ગઈ છે. વીજાપુર ખાતે ઓમિક્રોનનો આ કેસ નોંધાયો છે જ્યાં એક મહિલા નવા વેરિએન્ટથી સંક્રમિત આવી છે.
આ મહિલાની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ મહિલાના સંબંધીઓ તાજેતરમાં એક પરિવારજનના અવસાનમાં સામેલ થવા માટે ઝિમ્બાબ્વેથી પરત આવ્યા હતા. તેમના સંપર્કમાં આવ્યા બાદ તે મહિલા સંક્રમિત થઈ હોવાનો અંદેશો છે.
દેશમાં દક્ષિણ આફ્રિકામાંથી મળેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો કહેર વધી રહ્યો છે. રાજધાની દિલ્હી ખાતે ગુરૂવારે ઓમિક્રોનના ૪ નવા દર્દી સામે આવ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦ થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ ઓમિક્રોનનો એક નવો કેસ સામે આવ્યો છે.
ભારતમાં ૨ ડિસેમ્બરના રોજ કર્ણાટક ખાતે ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં દેશના ૧૧ રાજ્યોમાં ઓમિક્રોન પ્રસરી ચુક્યો છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના કુલ ૭૮ કેસ સામે આવ્યા છે. તેમાં ૩૨ કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, ૧૭ કેસ સાથે રાજસ્થાન બીજા ક્રમે અને ત્યાર પછી ત્રીજા ક્રમે દિલ્હી છે.HS