વિરમગામની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પાછળ કોનો હાથ?
(એજન્સી)અમદાવાદ, પરિણીતા સાથે પ્રેમ થતાં મૈત્રી કરાર કરીને સાથે રહેતા શિક્ષકની ઘાતકી હત્યા કરવામાં આવતાં અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શિક્ષકની હત્યા પરિણીતાના પતિએ તેના મિત્રો સાથે મળીને કરી છે. હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે પોલીસે હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણેય શખ્સની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે રહેતા નનુભાઈ ચાવડાએ વિરમગામ પોલીસ સ્ટેશનમાં કલા ગોહિલ, અજિત ગોહિલ અને જેસંગ કટારિયા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. નનુભાઈનો પિતરાઈ ભાઈ નરેશ વિરમગામ કે.બી.શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જેની ગઈકાલે હત્યા થઈ ગઈ છે. નરેશના હાંસલપુર ખાતે રહેતી અલકા સાથે લગ્ન થયા હતા.
ગઈકાલે નનુભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમના સંબંધી જગદીશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, નરેશ પર જીવલેણ હુમલો થયો છે. નરેશ પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક કારમાં ત્રણ જણા આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો.
શંખેશ્વર ખાતે રહેતા કલા ગોહિલ, અજિત ગોહિલ અને જેસંગ કટારિયાએ હુમલો કર્યો છે. નરેશને તાત્કાલિક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું છે. નરેશ પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અજિત અને કલા ગોહિલ શંખેશ્વરમાં હોટલ તેમજ પેટ્રોલ પંપમાં ભાગીદાર છે.
વિરમગામ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, કલા ગોહિલની પત્ની હર્ષાને નરેશ સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી કલા અને નરેશ વચ્ચે ઝઘડા ચાલતા હતા. હર્ષા અને નરેશ મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. નરેશ પર દાઝી રાખીને કલા, અજિત અને જેસંગે તેનું ઢીમ ટાળી દીધું છે.
હર્ષાએ નરેશના સંબંધીઓને જણાવ્યું હતું કે, તે સવારે પેટ્રોલ પુરાવવા તેમજ બીજા કામથી બહાર નીકળ્યા હતા. નરેશની હત્યા મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી લીધા છે. જ્યારે વધુ તપાસ ચાલુ છે.