વિશ્વભરમાં ભારતની રસીની બોલબાલા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Vaccin-1-scaled.jpg)
ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો: બાંગ્લાદેશ સહિતના દેશોને રસીનો જથ્થો મોકલાવી ઉત્તમ ઉદાહરણ ભારતે પુરું પાડયું: અનેક દેશોએ ભારત પાસે રસી માંગતા ઉત્પાદન ઝડપી બનાવાયું: આગામી દિવસોમાં વધુ દેશોને ભારત રસી પુરી પાડશે: અનેક વિકસિત દેશો પણ ભારત સાથે સંપર્કમાં
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસથી વિશ્વભરના દેશો રસી બનાવવાની તૈયારીમાં લાગેલા છે સૌ પ્રથમ રશિયાએ રસી બનાવ્યાની જાહેરાત કરી હતી પરંતુ યોગ્ય આયોજનના અભાવે રશિયા સ્થાનિક નાગરિકોને પણ રસી પુરી પાડવામાં અસમર્થ રહયું છે ત્યારે બીજીબાજુ સૌથી વધુ ગીચ અને વધુ વસ્તી ધરાવતા ભારત દેશમાં કોરોના વાયરસ ફેલાયો ત્યારથી જ તેની રસી બનાવવાની કામગીરી ખુબ જ આયોજનબદ્ધ રીતે શરૂ કરી દેવામાં આવી હતી અને તેનું પરિણામ આજે જાેવા મળી રહયું છે.
ભારતે બે સ્વદેશી રસી બનાવી વિશ્વભરના દેશોને ચોંકાવી દીધા છે. ભારતની બંને રસી ખુબ જ અસરકર્તા હોવાથી વિકસિત દેશો પણ આશ્ચર્યમાં મુકાયા છે. રસી બનાવવાની સાથે સાથે ભારત સરકારે આયોજનબદ્ધ રીતે તેને આપવાની કામગીરી પણ શરૂ કરી દેતા આજે ભારતની રસી આપવાની કામગીરીના ચોમેર વખાણ થઈ રહયા છે. મોટાભાગના દેશો હજુ રસી બનાવી શકયા નથી ત્યારે ભારતમાં રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહી પરંતુ ભારતે પાડોશી ધર્મ પણ નિભાવ્યો છે અને પાડોશી દેશોને રસી આપવાની શરૂઆત કરી દીધી છે. આમ ભારત હવે રસીના નામે વહેપાર કરવાના બદલે પાડોશી ધર્મ નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહયું છે અને આગામી દિવસોમાં અન્ય દેશોને પણ રસી પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે તમામ દેશોના અર્થતંત્રો પડી ભાંગ્યા હતાં. કોરોના વાયરસની સાથે જ જીવવું પડશે તેવુ સ્પષ્ટપણે હુ એ જણાવ્યું હતું પરંતુ ભારતે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રીર્ધદ્રષ્ટીથી ભાવિ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી રસી બનાવવાની કામગીરી ઉપર વડાપ્રધાન પોતે જ તમામ કંપનીઓના વૈજ્ઞાનિકો સાથે અને તેના માલિકો સાથે સતત સંપર્કમાં હતાં.
એક બાજુ રસી બનાવવાની કામગીરી ચાલતી હતી ત્યારે બીજીબાજુ દેશમાં કોરોના વધુ પ્રસરે નહીં તે માટે લોકડાઉન સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. વડાપ્રધાન મોદીના મહત્વપૂર્ણ નિર્ણયોના કારણે ભારતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બની ન હતી અને અન્ય દેશો ભારત માટે જે માન્યતા ધરાવતા હતાં તેને ખોટી સાબિત કરવામાં આવી હતી.
દેશમાં કોરોનાના કેસો કાબુમાં આવવા લાગતાં વડાપ્રધાન મોદીએ રસી બનાવવાની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પુનાની સીરમ ઈન્સ્ટીટયુટમાં બની રહેલી તથા હૈદરાબાદમાં અને અમદાવાદમાં રસી બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી હતી અને તેનું ટ્રાયલ પણ ચાલતું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ જાતે ત્રણેય કંપનીઓની જાત મુલાકાત લઈ રસી બનાવવાની કામગીરીની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓએ સંતોષ વ્યકત કર્યો હતો.
ભારત દેશમાં રસી બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલતી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ તેના વિતરણ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પ્રત્યેક નાગરિકને રસી મળે તે માટેનું આયોજનબદ્ધ માળખુ ગોઠવી દેવામાં આવ્યું હતું અને આ માટેનો સર્વે પણ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાયો હતો. ભારતમાં અત્યંત આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી હતી ત્યારે વિશ્વના દેશો હજુ કોરોના સામે જંગ લડી રહયા છે. ભારત દેશમાં રસી બનીને તૈયાર થઈ જતાં તેના વિતરણનું માળખુ પણ તૈયાર થઈ ગયું હતું ભારત દેશમાં સામુહિક રીતે રસીકરણની ઝુંબેશ શરૂ થતાં વિશ્વભરના દેશો અંચબામાં મુકાઈ ગયા હતાં.
કોરોના સામેની લડાઈમાં અમેરિકાની સંસ્થાએ કરેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી વિશ્વભરમાં પ્રથમ નંબરે આવી છે. વડાપ્રધાન મોદીની દુરંદેશીની નિતીથી આજે ભારતમાં રસીકરણની પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે શરૂ થઈ ગઈ છે.
ભારતે સ્વદેશી બનાવટની બે રસી બનાવી દીધી છે અને ટુંક સમયમાં ત્રીજી રસી પણ આવી જવાની છે ત્યારે ભારતમાં રસીકરણની ઝુંબેશનો વ્યાપ વધારવામાં આવનાર છે હાલ પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં હાલ રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખી રહયા છે અને તેઓ વેકસિન લેનાર વોરિયર્સો સાથે સંપર્કમાં રહી તેમની સાથે વાતચીત કરવા લાગ્યા છે. ભારતીય વેકસિનની કોઈ જ ગંભીર આડ અસર જાેવા મળી નથી તેથી હુ એ પણ ભારતની રસી ખુબ જ સુરક્ષિત હોવાનું જાહેર કર્યું છે. ભારતે ખુબ જ ઝડપથી રસી બનાવી દેતા વિશ્વભરના દેશોએ ભારતની પ્રશંસા કરી છે.
રસી બનાવવાની સાથે સાથે તેના વિતરણનું માળખુ પણ ખુબજ અસરકારક રીતે બનાવતા આજે ભારતની આ પ્રક્રિયાને અન્ય દેશો અનુસરવા લાગ્યા છે. ભારતની કોરોના સામેની લડાઈ ખુબ જ અસરકારક બની રહી છે અને હવે ટુંક સમયમાં પ્રત્યેક નાગરિકને રસી મળે તે માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજા તબક્કાના રસીકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજયોના મુખ્યમંત્રીઓ અને અન્ય અગ્રણીઓ રસી લેવાના છે જેનાથી દરેક નાગરિકોને રસી ઉપર વિશ્વાસ વધુ દ્રઢ બનશે.
ભારતે રસી બનાવવાની સાથે સાથે અન્ય દેશોની સ્થિતિની પણ ચિંતા કરી છે વિશ્વના અનેક દેશો એવા છે કે જયાં રસી બનવાની કોઈ સ્થિતિ જ નથી ભારતે આ તમામ દેશોને રસી પુરી પાડવા માટે કવાયત શરૂ કરી છે સૌ પ્રથમ ભારતે પાડોશી ધર્મ નિભાવવાની શરૂઆત કરી છે. ભારતમાં પ્રત્યેક નાગરિકને રસી મળે તે ઉપરાંત અન્ય દેશોના નાગરિકોને પણ રસી મળે તેવા પ્રયાસોના ભાગરૂપે બાંગ્લાદેશ, માલદિવ, ભુતાન સહિતના દેશોને રસીનો જથ્થો પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે.
ભારતે પાડોશી દેશોને રસી પુરી પાડતા અન્ય દેશોએ પણ ભારત પાસે રસીની માંગ કરી છે. પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સૌ પ્રથમ ભારતના પ્રત્યેક નાગરિકોને રસી મળી રહે અને પાડોશી દેશોને રસીનો પુરતો જથ્થો પહોંચાડયા બાદ અન્ય દેશોને રસી પુરી પાડવામાં આવશે. દક્ષિણ આફ્રિકાના અનેક દેશોએ ભારતનો સંપર્ક સાધ્યો છે અને રસીની માંગ કરી છે. ભારતમાં બનેલી રસી અન્ય દેશોએ બનાવેલી રસી કરતા ખુબજ સસ્તી હોવાની સાથે તેને રાખવાની પ્રક્રિયા પણ ખુબ જ અનુકુળ હોવાથી દરેક દેશો માટે ભારતની રસી ખુબ જ અનુકુળ સાબિત થવાની છે.
આ પરિસ્થિતિમાં ભારતની રસીની બોલબાલા વધવા લાગી છે. ભારતની કોરોના સામેની લડાઈથી રસીકરણ ઝુંબેશની પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે થતાં કેટલાક દેશોના પેટમાં તેલ રેડાયું છે પરંતુ ભારતની સરકારે આ તમામ બાબતોને નજર અંદાજ કરી કોરોના સામેની લડાઈ પર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે અને હવે અન્ય દેશોમાં પણ ભારતની રસી પહોંચવા લાગતાં વૈશ્વિક સ્તરે ભારતની આન, બાન, અને શાનમાં અગણિત વધારો થયો છે.