Western Times News

Gujarati News

વિશ્વાસના અભાવે યુવતીઓ દબાણમાં આવે છેઃ હરનાઝ

મુંબઈ, ભારતની હરનાઝ સંધુ ઈઝરાયલમાં ચાલી રહેલા ૭૦મા મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ફાઈનલ સુધી પહોંચી અને તેણે ખિતાબ પોતાના નામે કર્યો. ૨૧ વર્ષીય હરનાઝ પંજાબના ચંદીગઢની છે અને આ પહેલા પણ અનેક બ્યુટી પેજન્ટ જીતી ચૂકી છે.

મિસ યુનિવર્સ ૨૦૨૧ કોમ્પિટિશનમાં ૭૫ દેશોની સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો. હરનાઝે આ તમામને હરાવીને ખિતાબ જીત્યો છે. ભારત સિવાય ટોપ ૩માં પરાગ્વે અને દક્ષિણ આફ્રિકાની કન્ટેસ્ટન્ટ હતી. ફાઈનલ રાઉન્ડમાં કન્ટેસ્ટન્ટ્‌સને પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના આધારે તેમનો સ્કોર નક્કી કરવામાં આવે છે.

હરનાઝને પણ એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેનો સુંદર જવાબ આપીને તેણે ખિતાબ જીતી લીધો. હરનાઝને પૂછવામાં આવ્યું કે, પ્રેશરનો સામનો કરી રહેલી યુવતીઓને તમે શું સલાહ આપશો? આ પ્રશ્નનો ઉત્તર આપતાં હરનાઝે કહ્યું કે, આજનો યુવા જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યો છે, તે છે પોતાના પર વિશ્વાસ કરવો. તમારે જાણવાની જરુર છે કે તમે યુનીક છો, તે તમને સુંદર બનાવે છે.

અન્ય લોકો સાથે સરખામણી કરવાનું બંધ કરો. દુનિયાભરમાં ચાલી રહેલી અન્ય મહત્વની બાબતો વિષે વાત કરો. બહાર નીકળો, પોતાના માટે બોલો, કારણકે તમે પોતાના જીવનના લીડર છો. તમે જ

પોતાનો અવાજ છો. મને પોતાના પર વિશ્વાસ હતો માટે આજે હું અહીંયા ઉભી છું. મિસ યુનિવર્સનો ક્રાઉન જીત્યા પછી હરનાઝનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઘણી ખુશ જણાઈ રહી છે. તે હસીને ચક દે ફટ્ટે ચક દે ફટ્ટે કહી રહી છે.

ઉલ્લેખનીય છે કે હરનાઝ સંધુ આ પહેલા અન્ય ખિતાબ પણ જીતી ચૂકી છે. મિસ ડિવા યુનિવર્સ ૨૦૨૧, ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ ૨૦૧૭ વગેરે ખિતાબ હરનાઝના નામે છે. વર્ષ ૨૦૧૮માં તેણે મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા અને વર્ષ ૨૦૧૯માં ફેમિના મિસ ઈન્ડિયા પંજાબનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વર્ષ ૨૦૧૯માં ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં તે ઘણી આગળ નીકળી હતી, પરંતુ ખિતાબ નહોતી જીતી શકી.

૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મુંબઈમાં આયોજિત મિસ ડિવા ૨૦૨૧ કોમ્પિટિશનમાં હરનાઝ સંધુએ ચંદીગઢનું નેતૃત્વ કર્યુ હતું. ત્યારપછી તેણે મિસ યુનિવર્સ ૨૦૨૧માં ભાગ લીધો હતો. બ્યુટી પેજન્ટ્‌સની સાથે સાથે તેણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હરનાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેણે શાળા તેમજ કોલેજનો અભ્યાસ પણ અહીં જ કર્યો. હરનાઝની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી કહી શકાય કે તેને મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ છે. તેને સિંગિંગ, એક્ટિંગ, કુકિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.