Western Times News

Gujarati News

શહેરમાં ઝાડા ઊલ્ટી-કમળાના કેસમાં ચિંતાજનક હદે વધારો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગરમીમાં વધારો થતાં જ પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરમાં ઝાડા ઉલ્ટી અને કમળાનો રોગચાળો આતંક મચાવી રહ્યો છે. જ્યારે પાછલા વર્ષની માફક ચીકનગુનીયાના કેસ પણ સતત વધી રહ્યા છે. મ્યુનિ.ઈજનેર ખાતાની નિષ્ક્રિયતાના પરીણામે અનેક વિસ્તારોમાં પાણીના સેમ્પલ અનફીટ જાહેર થઈ રહ્યાં છે.

સ્માર્ટસીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. તથા માર્ચ મહિનાના માત્ર ૨૮ દિવસમાં જ ઝાડા ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના ૭૦૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિ. આરોગ્ય ખાતાના વડા ડો.ભાવિનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૪૪૯ તથા કમળાના ૧૩૩ કેસ કન્ફર્મ થયા છે.

જ્યારે ૧લી જાન્યુઆરીથી ૨૮ માર્ચ-૨૦૨૨ સુધી ઝાડા ઉલ્ટીના ૬૫૪, કમળાના ૩૬૦, ટાઈફોઈડના ૨૮૭ તેમજ કોલેરાનો એક કેસ નોંધાયો છે. ૨૦૨૧ના વર્ષમાં કોલેરના ૬૪ કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ૧૩૦૪૪ સ્થવે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ ૨૬૭૫ જગ્યાએથી પાણીના નમૂના ચકાસણી માટે લેવામાં આવ્યા છે. જે પૈકી ૨૦ સેમ્પલ અનફીટ જાહેર થયા છે.

શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ૨૦૨૨માં ચીકનગુનીયાના ૯૫ તથા ડેન્ગ્યુના ૨૯ કેસ નોંધાયા છે, ૨૦૨૧ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના ૩૧૦૪ અને ચીકનગુનીયાના ૧૩૫૪ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે માર્ચ મહિનામાં ૯૬૫૮૪ લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે ડેન્ગ્યુની તપાસ માટે ૧૨૮૩ સીરમ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ નાગરીકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમના મંતવ્ય મુજબ ઉનાળામાં શિકંજી કે શેરડીના રસ પીવાથી દૂર રહેવું જાેઈએ. આગામી દિવસોમાં ઈદ અને અન્ય તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં ઝાડા ઉલ્ટી અને કમળાના કેસમાં વધારો થાય છે.

જેનું મુખ્ય કારણ બહાર વેચાણ થઈ રહેલા ખુલ્લા ફ્રુટ અને શિકંજી છે. જે નાગરીકોને ઝાડા ઉલ્ટી થયા હોય તેમણે પાણી ઉકાળીને જ પીવું જાેઈે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.