શહેર સાયબર ક્રાઈમે ૬૦ સેન્ટ્રલ તથા અન્ય સરકારી વેબસાઈટમાં રહેલાં બગ્સ શોધ્યા
બગ દ્વારા હેકીંગની સંભાવના વધી જાય છે: આ વર્ષે ૩ મહીલા સહીત ર૧ અધિકારીઓની ટીમ સાયબર સિક્યોરીટીની તાલીમ લઈ રહી છે
(સારથી એમ.સાગર) અમદાવાદ, હાલના સમયમાં ઠગાઈ અને ચોરીની રીતો બદલાઈ છે હાઈટેક બનેલા ગઠીયા હવે લેપટોપ અને કોમ્પ્યુટરની મદદથી સેકંડોમાં જ આંગળીઓના ટેરવે નાગરીકોના રૂપિયા ઉસેડી જાય છે જેની સામે પોલીસતંત્રએ સાયબર ક્રાઈમ પોલીસનું યુનીટ ઉભુ કર્યુ છે.
જે અસરકારક કામગીરી બતાવી રહયું છે આ સંજાેગોમાં સાયબર ક્રાઈમના અધિકારીઓ પણ વધુ અસરકારક રીતે કામગીરી કરી શકે એ માટે ગયા વર્ષે ડીસીપી અમીત વસાવા દ્વારા અધિકારીઓને કોમ્પ્યૂટરના કોર્સની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
જેની શરૂઆત પોતાનાથી જ કરતાં ડીસીપી વસાવા તથા અન્ય દસ પોલીસ કોન્સ્ટેબલોએ ‘એસિકલ હેકીંગ’ ના કોર્ષની ટ્રેનિંગ લીધી હતી જે બાદ સાયબર ક્રાઈમની તપાસમાં અસરકારક પરીણામ જાેવા મળતાં આ વર્ષે પણ ૧૬ પીએસઆઈ (પોલીસ સબ ઈન્સ્પેકટરો “સાયબર સિક્યોર યુઝર” તથા ર પીએસઆઈ અને ૩ મહીલા પોલીસ કોન્સ્ટેબલ “એથિકલ હેકીંગ”નો કોર્ષ કરી રહયા છે જેમાં તેમને સાયબર સિકયોર યુઝનો પરીચય, ડેટા સુરક્ષા, અલગ અલગ ઓપરેટીંગ સિસ્ટમની સુરક્ષા, બ્રાઉઝર અને ઈન્ટરનેટની સુરક્ષા, ઈમેઈલમાં આવતા વાઈરસ તથા ધમકીઓથી સુરક્ષા, ડિજીટલ ડિવાઈસનો વપરાશ, નેેટવર્ક કનેકશન અને સર્વર અંગેની માહીતી તથા ડિજીટલ પેમેન્ટમાં સુરક્ષીત લેવડ દેવડ કઈ રીતે કરી શકાય તેવા વિષયો શીખવાડવામાં આવી રહયાં છે.
આ અંગે વાત કરતાં સાયબર ક્રાઈમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં તથા આવનારા સમયમાં ટેકનીકલ ચેલેન્જીસ વધશે જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવી રહી છે. ગયા વર્ષે કર્મચારીઓએ તાલીમ બાધા બાદ તેમની ક્ષમતાઓ વધી ગઈ છે કોઈપણ પ્રત્યેની તેમની સમજ પણ વધી છે. ઉપરાંત જયારે નવા પડકારો આવે ત્યારે પોતાનો રોલ કેવો રહેશે એ બાબતે હવે તે સ્પષ્ટ થઈ ગયા છે.
તદ્ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ વર્ષ દરમિયાન સેન્ટ્રલ ગવર્નમેન્ટ તથા અન્ય મળીને કુલ ૬૦ સરકારી વેબસાઈટમાં રહેલા બગ શોધીને તે અંગે રીપોર્ટ કર્યો હતો બગ દ્વારા વેબસાઈટની હેકીંગ થવાની પણ સંભાવના હતી. આ ઉપરાંત અમદાવાદની જ કેટલીક કોર્પોરેટ કંપનીઓને પણ તેમની વેબસાઈટમાં રહેલી ખામીઓ અંગે જણાવ્યું હતું.