શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં ૧૭માં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાન વિચારક બર્કેનું કથન ટાંકતાં મંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે.
શિક્ષણની ગુણવત્તા વધુ સુદ્રઢ બનાવી શિક્ષણનું સ્તર ઉચ્ચસ્તરે લઇ જઇ રાજ્યના તમામ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી તેમને રાષ્ટ્ર વિકાસના કાર્યમાં જોડવા રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. શિક્ષણના આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા રાજ્યના તમામ શિક્ષકોને વંદન કરી આ કાર્યમાં તેમને શ્રેષ્ઠ પ્રદાન આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મંત્રી શ્રી પરમારે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શનને પરિણામે આજે રાજ્યમાં ધોરણ ૧ થી ૮ માં કન્યાનો ડ્રોપ આઉટ રેશિયો ૨૨.૮૦ ટકાથી ઘટીને ૩.૪૬ ટકા સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
મંત્રી શ્રી પરમારે ઉમેર્યું કે, રાષ્ટ્રના સર્વાંગી વિકાસના પાયામાં શિક્ષણ રહેલું છે. શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થી અને તેના કુટુંબ માટે એક અનેરા આનંદનો પ્રસંગ બની જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકના શાળામાં પ્રવેશ મેળવવાના રૂડા અવસરમાં ભાગીદાર બની બાળકોના તેમજ વાલીઓના ઉત્સાહમાં વધારો કરવાના આશયથી જ શાળા પ્રવેશોત્સવની ઉજવણીની શરૂઆત કરાવી હતી.
મંત્રીશ્રીએ આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓની માહિતી આપી હતી અને શાળાના બાળકો સાથે નિખાલસ સંવાદ કર્યો હતો ત્યારબાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું. શાળાના બાળકોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.
૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વર્ષ ૨૦૧૯-૨૦થી શિક્ષણ વિભાગની UDISE (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) આધારિત ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના જન્મ નોંધણીના ડેટાને પણ એકીકૃત કરવામાં આવ્યો છે. શિક્ષણ કાર્યમાં શિક્ષકો બેદરકારી દાખવે નહીં તથા વિદ્યાર્થીઓ દરરોજ હાજર રહે તે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી લેવામાં આવે છે.
શિક્ષણ ક્ષેત્રે સરકારના સંનિષ્ઠ પ્રયાસોને સફળ બનાવવા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યું છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સહાયભૂત થવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં ચાલુ વર્ષે શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ. ૭૩૦ કરોડ ૩ લાખ અને વિકસતી જાતિ કલ્યાણની રૂ. ૧,૨૭૩ કરોડ ૩૫ લાખ મળી કુલ રૂા. ૨૦૦૩ કરોડ ૩૮ લાખ જેટલી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૦ હજાર અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૫૦ હજાર કન્યાઓને વિના મુલ્યે સાયકલ આપવામાં
આવે છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો, જિલ્લા-તાલુકા શિક્ષણાધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ ગામના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.