શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ
આગામી દિવસોમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થશે
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ અને ૧૨ની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો, જરૂરી વર્ગખંડ, વધારાના વર્ગખંડની જરૂર પડશે કે નહીં તે તમામ બાબતે તૈયારી શરૂ કરી દેવાઇ છે.
આ પરીક્ષામાં પણ જાે કોરોના ગાઇડ લાઇન પ્રમાણે જ પરીક્ષા લેવામા આવશે તો વિભાગે વર્ગખંડની સંખ્યા વધારવી પડશે. આ માટે બોર્ડ દ્વારા ગણતરી શરૂ કરી દેવાઇ છે અને જાન્યુઆરી માસના અંત સુધીમાં વર્ગખંડને લઇ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચ, ૨૦૨૨થી ૩૦ માર્ચ, ૨૦૨૨ દરમિયાન લેવાશે, જ્યારે ધોરણ-૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ૧૧-૨૧ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓની પ્રથમ કસટી આ ઓક્ટોબરમાં લેવાઇ ચૂકી છે અને બીજી કસોટી ૨૭ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષા પહેલા સ્કુલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરી દેવાઇ છે. હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા બોર્ડ ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી દેવાનું આયોજન છે.
માર્ચ-૨૦૨૦માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ધોરણ-૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩ લાખ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
પરીક્ષા માટે કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૭૮ કેન્દ્ર, ૫,૫૫૯ બિલ્ડિંગમાં આવેલા ૬૦,૦૨૭ વર્ગખંડમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાઇ હતી. આ વર્ગખંડ પૈકી મોટા ભાગના સીસીટીવીથી સજ્જ હતા. ૫૯,૭૩૩ વર્ગખંડમાં સીસીટીવીની સુવિધા હતી, જ્યારે ૨૯૪ વર્ગખંડમાં સુવિધા ન હોવાથી ટેબ્લેટના માધ્યમથી નજર રખાઇ હતી.