શિલ્પા શેટ્ટી કારમાં છુપાઈને વડાપાંવની મોજ માણી
મુંબઈ: શિલ્પા શેટ્ટી જેટલું પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે, તેટલી જ તે ખાવાની પણ શોખીન છે. શિલ્પા ઘણીવાર ફૂડના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે અને તેમાં પણ વડાપાંવ જોતા જ તેનું મન ખાવા માટે લલચાઈ જાય છે. આ વખતે એક્ટ્રેસે જે વિડીયો પોસ્ટ કર્યો છે તે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે.
શિલ્પા શેટ્ટીએ રવિવારે કારમાં બેઠા બેઠા જ વડાપાંવ અને ભજીયાનો આનંદ માણ્યો અને આ મજેદાર પળોનો વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. તે કારની અંદર બેસીને વડાપાંવ ખાઈ રહી છે અને તેના પતિ રાજ કુંદ્રા તેનો વિડીયો બનાવી રહ્યા હતા. વિડીયોમાં શિલ્પા કહી રહી છે કે, ‘આજે રવિવાર છે. હું વડાપાંવ ખાવાથી પોતાને રોકી નથી શકતી.’ વડાપાંવ સાથે તે પાલકના ભજીયાનો પણ આનંદ માણતી દેખાઈ રહી છે.
આ વિડીયોને શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે, જતા જતા વડાપાંવ જોયું. મનમાં આવ્યું આજે સંડે છે તો ખાઓ, ખાઓ ખાઓ. આ તો બને છે ભાઉં. આ સાથે જ એક્ટ્રેસે જણાવ્યું કે તે કરજતથી પાછી આવી રહી હતી અને આ તેનું ફેવરિટ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દેશમાં કરવા ચોથના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પતિ રાજ કુંદ્રા માટે વ્રત રાખ્યું હતું. શિલ્પાએ અનિલ કપૂરના ઘરે કરવા ચોથની પૂજા કરતો વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં લાલ સાડી અને માથામાં સિંદૂર અને હાથમાં થાળી લઈને શિલ્પા જોવા મળી હતી. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે. શિલ્પાએ થોડા મહિનાઓ અગાઉ જ સરોગસીથી એક દીકરીને પણ જન્મ આપ્યો છે.