સલમાન સાડા છ મહિના પછી ફરી શૂટિંગ સેટ ઉપર આવ્યો
મુંબઈ: બોલિવૂડના દબંગ સલમાન ખાન હાલ બિગ બોસની સીઝન ૧૪ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાને લોકડાઉન દરમિયાન પોતાના પનવેલ ફાર્મ હાઉસમાં સમય પસાર કર્યો હતો અને હવે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ ફરીથી શરુ કર્યું છે. સલમાન ખાને પ્રભુ દેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ કર્જતમાં ૨ ઓક્ટોબરના રોજ શરુ કર્યું છે. સલમાન ખાને શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘રાધે’ના સેટ પરની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સલમાન ખાન પોતાની પીઠ દર્શાવતા જોવા મળે છે. આ તસવીરમાં બ્લેક જેકેટ અને ડેનિમનું પેન્ટ પહેર્યું છે.
તસવીરને જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં બાઈક રેસના જોરદાર સ્ટંટ જોવા મળશે. આ તસવીર સાથે જ સલમાન ખાને લખ્યું છે કે,’સાડા છઃ મહિના પછી રાધેના શૂટિંગ સેટ પર પરત ફરીને સારુ લાગી રહ્યું છે. ફિલ્મના શૂટિંગની વાત કરવામાં આવે તો આવતા ૧૫ દિવસો સુધી આ ફિલ્મનું શૂટિંગ એનડી સ્ટૂડિયો કર્જતમાં ચાલશે. જે પછીનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટૂડિયોમાં પૂરું કરવામાં આવશે. સલમાન ખાનની એક પર્સનલ મેડિકલ ટીમ હંમેશા સેટ પર હાજર રહે છે. આ ઉપરાંત સુરક્ષાને લઈને જાહેર કરવામાં આવેલી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છે. દિશા પટની પણ શૂટિંગ માટે તૈયાર છે.
આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે ફિલ્મના ગીતના શૂટિંગ માટે તૈયાર છે. પહેલા આ ફિલ્મ ઈદ પર રીલિઝ થવાની હતી. જોકે, કોરોના મહામારીના કારણે આવું ન થઈ શક્યું. ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા પણ મહત્વની ભૂમિકામાં છે.