Western Times News

Gujarati News

સાબરકાંઠા: BJP ઉમેદવાર પાસે 2.19 કરોડ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે 7.80 કરોડની સંપત્તિ

સાબરકાંઠા માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા, જબરજસ્ત ટક્કર જોવા મળશે

મોડાસા, લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરી પરત કરવાની મુદતને આડે રામનવમીની બુધવારની રજા સિવાય ફકત બે દિવસ બાકી રહ્યા હતા ત્યારે ગતરોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા અને કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીએ શક્તિ પ્રદર્શન રૂપે પ્રચંડ જન સૈલાબ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ભાજપના ઉમેદવાર પાસે ક્ષત્રિય ઠાકોરના ૪ લાખ ઉપરાંતના મત સાથે ર લાખ ઉપરાંતના પટેલના મતના સથવારો છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર પાસે ૩ લાખ કરતા વધુ આદિવાસી મત અને ર લાખ કરતા વધુ દલીત મત તથા ર લાખ જેટલા મુસ્લિમ મતનો સથવારો છે અન્ય જ્ઞાતિના મતો વહેંચાયેલા રહેશે.

એટલે આ ચૂંટણીમાં બંને સમોવડીયા ઉમેદવારો હોય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટાની ટક્કર જોવા મળશે. જયારે ભાજપમાં આયાતી મૂળ કોંગ્રેસી ઉમેદવાર હોઈ કાર્યકરોમાં કચવાટ અને નારાજગી જણાય છે. તેમજ રાજપુત ક્ષત્રિય સમાજ પણ નારાજ જણાય છે તેની અસર ચૂંટણી પર પડશે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર આ બે જણાએ એફિડેવીડમાં દર્શાવ્યા મુજબ ભાજપના ઉમેદવાર શોભનાબેન પાસે રૂ.ર.૧૯ કરોડની સ્થાવર જંગમ મિલકત છે અને રૂ.૪.ર૮ લાખ હાથ પર રોકડ છે તથા રૂ.ર૭.પ૯ લાખની ખેતીની જમીન છે જયારે કોંગ્રેસ ઉમેદવાર ડો. તુષાર ચૌધરી પાસે રૂ.૭.૮૦ કરોડની સ્થાવર જંગમ મિલકત સંપત્તિ છે અને હાથ ઉપર રૂ.૭પ હજાર રોકડ છે

તથા રૂ.૧૩.૮૩ લાખની ખેતીની જમીન તેમજ રૂ.૪ કરોડનો બીનખેતી પ્લોટ છે. દરેક બેઠક દીઠ ૧૬ કરતા વધુ ઉમેદવાર થશે તો બે બેલેટ યુનિટ લાગશે તેવુ ચુંટણીપંચે જણાવ્યું છે. સાબરકાંઠા સંસદીય બેઠકના ભાજપ અને કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારોએ ઉમેદવારી પત્ર માતૃ પ્રાદેશિક ભાષા ગુજરાતીના બદલે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી ભરતા અચરજ થવા પામ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.