સુશાંતની ફિલ્મ MS ધોનીના ચાર વર્ષ પુર્ણ થયા
મુંબઈ: ૩૦ સપ્ટેમ્બરના રોજ ૪ વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બ્લોકબસ્ટર ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ તેની એક્ટિંગ દ્વારા હંમેશા ફેન્સની વચ્ચે જીવતો રહેશે. આમ તો ઘણા વિડીયો અને તસવીરો સામે આવી છે જેમાં સુશાંત ક્રિકેટ ધોનીની નકલ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, ક્રિકેટરના પાત્રમાં પોતાને ઢાળવા માટે સુશાંતે ૧૦-૨૦ નહીં પૂરા ૨૫૦ સવાલ ધોનીને પૂછ્યા હતા? સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ૧૨ મહિનાની તૈયારીમાં તે માત્ર ૩ વખત ધોનીને મળ્યો હતો. પહેલી મુલાકાતમાં સુશાંતે ધોનીને તેની જર્ની વિશે પૂછ્યું હતું.
જે બાદ બીજી મુલાકાતમાં સુશાંતે ધોની સામે ૨૫૦ સવાલોનું લિસ્ટ મૂક્યું હતું. આ પાછળનું કારણ એ હતું કે, સુશાંત ધોનીના વિચારો જાણવા માગતો હતો જેથી તે પોતાની એક્ટિંગમાં ઉતારી શકે. સુશાંતે એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ માટે કેટલીક મહેનત કરી હતી એ તો સૌ કોઈ જાણે છે. ધોની જેવી ચાલ, ફિઝિક અને ક્રિકેટ રમવાના અંદાજને પોતાનામાં ઉતારવા માટે સુશાંતે લગભગ દોઢ વર્ષ મહેનત કરી હતી. એ સમયે ઊંઘતા-જાગતા સુશાંત ધોની બનીને ફરતો હતો. ધોનીની બાયોપિક માટે સુશાંત રોજ મુંબઈના ક્રિકેટ અસોસિએશનમાં પ્રેક્ટિસ કરતો હતો. સુશાંત ખૂબ મહેનત કરતો હતો છતાં ધોનીનો હેલિકોપ્ટર શોટ રમવામાં તકલીફ થતી હતી.
જો કે, સુશાંતે હાર ના માની અને જ્યાં સુધી એ શોટ પર્ફેક્ટ આવડ્યો નહીં ત્યાં સુધી પ્રયાસ કરતો રહ્યો. જે દિવસે સુશાંતને આ શોટ આવડી ગયો એ દિવસે તે બાળકોની જેમ ખુશીથી કૂદતો હતો. ત્યાર પછી તેણે સતત ૧૦-૧૫ હેલિકોપ્ટર શોટ માર્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, એ દિવસે સચિન તેંડુલકરે સુશાંતને બાલ્કનીમાંથી રમતો જોયો હતો. એ સમયે સુશાંતની બેટિંગ જોઈને સચિન એટલો પ્રભાવિત થયો કે તેને લાગ્યું કે કોઈ નવો ક્રિકેટર આવ્યો છે. જો કે, સુશાંત વિશે જાણ થઈ ત્યારે સચિનના આશ્ચર્યનો પાર નહોતો.