સુશાંતની હત્યા થઈ હોવાનું AIIMSનો ઈનકાર
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ એમ્સના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ તૈયાર કરી હતી જેથી સુશાંતે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે જાણવામાં મદદ મળી શકે. આ રિપોર્ટના આધારે સીબીઆઈ પોતાની તપાસની આગળની દિશા નક્કી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, એમ્સની ફોરેન્સિક ટીમે પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. જો કે, સીબીઆઈ તરફથી આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપેલા રિપોર્ટમાં એમ્સએ સુશાંતની હત્યા થઈ હોવાની શક્યતાને નકારી દીધી છે.
સુશાંતને ઝેર અપાયું હશે અને ગળું દબાવીને તેની હત્યા થઈ હશે તેવી થિયરીઓ ચર્ચાઈ રહી હતી. જો કે, હવે એમ્સના રિપોર્ટ પછી આ સંભાવનાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એમ્સની પેનલે તપાસ પૂર્ણ કરી છે અને મેડિકો-લીગલ અભિપ્રાય આપ્યા પછી કેસની ફાઈલ બંધ કરી દીધી છે. એમ્સએ પોતાના રિપોર્ટમાં ઝેર અપાયું હોવાની કે ગળું દબાવીને હત્યા થઈ હોવાની તમામ થિયરીઓ નકારી છે. રિપોર્ટ મુજબ, બિહાર પોલીસે આત્મહત્યાની ઉશ્કેરણીનો મૂળ કેસ નોંધ્યો હતો તે જ દિશામાં હવે સીબીઆઈ પોતાની તપાસ આગળ વધારી શકે છે. ન્યૂઝ પોર્ટલને એજન્સીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, તેઓ હત્યા સહિતના તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે.
જો કે, અત્યાર સુધી હત્યા થઈ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. તપાસ દરમિયાન હત્યા તરફ ઈશારો કરતાં કોઈ પુરાવા મળશે તો હત્યાનો કેસ દાખલ થઈ શકે છે, તેવા અહેવાલ છે. હાલ તો આત્મહત્યાની દુષ્પ્રેરણાના એંગલથી જ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની હોસ્પિટલમાં થયેલા પોસ્ટમોર્ટમમાં પણ સુશાંતનું મોત આત્મહત્યાથી થયું હોવાનો ઉલ્લેખ હતો. પરંતુ સોશિયલ મીડિયા પર દાવા થઈ રહ્યા હતા અને સુશાંતના પરિવારને પણ હત્યાની શંકા હતી જેના આધારે સીબીઆઈએ હત્યાના એંગલથી તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એમ્સ ઉપરાંત સીએફએસએલનો ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે. સીએફએસએલની ટીમે સુશાંતના ઘરેથી ઓર્ગેનિક અને બાયોલોજિકલ સેમ્પલ લીધા હતા અને એકથી વધુ વખત ડમી ટેસ્ટ કર્યા હતા. એમ્સ-સીએફએસએલના ફાઈનલ રિપોર્ટને આધારે સીબીઆઈ તપાસની આગળની દિશા નક્કી કરી શકે છે.SSS