સુશાંત કેસની તપાસ હજુ ચાલુ જ છે : CBI
મુંબઈ: સીબીઆઈએ આજે સ્પષ્ટતા કરી છે કે સુશાંત સિંહ કેસની તપાસ હજુ ચાલુ જ છે. આજે સવારે એવા અહેવાલો આવ્યા હતા કે સીબીઆઈએ આ કેસની તપાસ પૂરી કરી લીધી છે, અને તે જલ્દી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. જોકે, આ અહેવાલોને સીબીઆઈએ ફગાવી દીધા છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને ૪ મહિના થઈ ચૂક્યા છે. સુશાંતના પરિવાર અને ફેન્સ સહિત આખો દેશ સીબીઆઈના રિપોર્ટ સામે મીટ માંડીને બેઠો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ એમ્સએ સુશાંતનું મોત ગળે ફાંસો ખાવાથી જ થયું હોવાનું દર્શાવતો રિપોર્ટ સોંપ્યો હતો. સુશાંતના મોતને લઈને જાતભાતની અટકળો હતી, જે તમામને એમ્સએ ફગાવી દીધી હતી અને સુશાંતની હત્યા થઈ હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
સીબીઆઈની સાથે ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેવી કેન્દ્રિય તપાસ એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે. સુશાંતના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રુપિયા જેટલી રકમની ગોલમાલ થઈ છે. જેની ઈડીએ તપાસ શરુ કરી હતી. આ સિવાય આ કેસમાં ડ્રગ્સ એંગલ નીકળતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિતના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલ પણ થઈ હતી. હાલ તે જામીન પર મુક્ત છે.
જો કે, તેના ભાઈ શોવિક ચક્રવર્તીને હજી જામીન મળ્યા નથી. આ તરફ રિયા ચક્રવર્તીએ જેલમાંથી છૂટ્યા બાદ તેની વિરુદ્ધ ખોટું નિવેદન આપનારી તેની પાડોશી સામે કાયદેસરની કાર્યવાહી લીધી છે. પાડોશીએ દાવો કર્યો હતો કે, તેણે ૧૩ જૂનની રાત્રે સુશાંત અને રિયાને સાથે જોયા હતા. બાદમાં સીબીઆઈની પૂછપરછ દરમિયાન તે ફરી ગઈ હતી.