સૈનિકોના સ્મારક પર તસવીર ખેંચાવનારા બ્લોગરને સજા

નવી દિલ્હી, ચીને પોતાના એક ટ્રાવેલ બ્લોગરને ૭ મહિનાની જેલની સજા સંભળાવી છે. તે ટ્રાવેલ બ્લોગર પર ગાલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. શરૂઆતમાં ચીને પોતાને કોઈ નુકસાન થયું હોવાનો ઈનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેનો સ્વીકાર કર્યો હતો અને માર્યા ગયેલા જવાનોની યાદમાં એક સમાધિ પણ બનાવડાવી હતી.
ટ્રાવેલ બ્લોગરે ચીનના શહીદ જવાનો માટે બનાવવામાં આવેલી સમાધિ પાસે કેટલીક તસવીર ખેંચાવી હતી. ટ્રાવેલ બ્લોગર પર જવાનોના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ઉત્તર પશ્ચિમી ચીનના ઝિંજિયાંગ ઉઈગર ક્ષેત્રની પિશાન કાઉન્ટીની સ્થાનિક કોર્ટે આ સજા સંભળાવી છે. સાથે જ એવો આદેશ પણ આપ્યો છે કે, ટ્રાવેલ બ્લોગર ૧૦ દિવસની અંદર સાર્વજનિકરૂપે માફી માગે.
બ્લોગરનું નામ લી કિજિઆન છે અને તે ઝિયાઓઝિઆન જેસન નામના સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેણે ૧૫ જુલાઈના રોજ આ સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળ કારાકોરમ પર્વતીય ક્ષેત્ર ખાતે આવેલું છે.
આરોપ પ્રમાણે તે સમાધિ સ્થળનું નામ લખેલું છે તે પથ્થર પર ચઢી ગયો હતો. તે સિવાય તેના પર આરોપ છે કે, તે માર્યા ગયેલા જવાનોની સમાધિ પાસે ઉભો રહીને સ્માઈલ કરી રહ્યો હતો અને સાથે જ તેણે સમાધિ તરફ હાથ વડે પિસ્તોલ જેવો ઈશારો પણ કરેલો.
આ ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લી કિજિઆનનો વિરોધ થવા લાગ્યો હતો. બાદમાં ૨૨ જુલાઈના રોજ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેને દોષી ઠેરવીને ૭ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.SSS