સૈફ ડ્રગ્સ કેસમાં દીકરીનું નામ આવતા નારાજ હતો ?
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ કેટલાક મોટા બોલિવુડ સ્ટાર્સની પૂછપરછ થઈ હતી. આ યાદીમાં સારા અલી ખાન પણ સામેલ હતી. કથિત રીતે સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી સારા અલી ખાન એનસીબીનું સમન્સ મળ્યા બાદ ગોવાથી મુંબઈ આવી હતી. સારા પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો. ૨૬ સપ્ટેમ્બરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સારા અલી ખાનની પૂછપરછ કરી હતી. જે બાદ એવા અહેવાલો વહેતા થયા હતા કે, ડ્રગ્સ કેસમાં સારાનું નામ આવતા પિતા સૈફ અલી ખાન નારાજ છે.
કેસમાં સારાની મદદ કરવાની ના પાડીને સૈફ પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર સાથે દિલ્હી જતો રહ્યો હતો. જો કે, હવે આ અહેવાલો પર સૈફ અલી ખાને સ્પષ્ટતા કરી છે. હાલમાં જ સૈફ અલી ખાને એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં કહ્યું કે, તે પોતાના ત્રણેય બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને તે હંમેશા તેમના માટે હાજર છે. જો કે, સૈફે સ્વીકાર્યું કે તે દીકરા તૈમૂર સાથે ખૂબ સમય વિતાવે છે પરંતુ તે મોટા દીકરા ઈબ્રાહિમ અને સારા અલી ખાન સાથે પણ સંપર્કમાં રહે છે. સૈફ અલી ખાનના કહેવા પ્રમાણે, ત્રણેય બાળકો માટે તેના હૃદયમાં અલગ અલગ સ્થાન છે.
સારા અલી ખાનના કેસ પર વાત કરતાં સૈફે કહ્યું, ‘જો હું કોઈ વાતા સારાથી નારાજ હોઉં તો તૈમૂર મારું મન ના વાળી શકે. સૈફના મતે જ્યારે પણ તમારું બાળક જન્મે છે ત્યારે તે તમારા દિલનો ખાસ ટુકડો બની જાય છે. સૈફે કહ્યું કે, તેના ત્રણેય બાળકોની ઉંમર ભિન્ન છે અને ત્રણેયને અલગ પ્રકારનું ધ્યાન જોઈએ છે. સારા અને ઈબ્રાહિમ સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકું કે ડિનર પર ચર્ચા કરી શકું પરંતુ તૈમૂર સાથે આ શક્ય નથી,
તેમ સૈફનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ ચેટ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ૨૬ સપ્ટેમ્બરના રોજ સારા અલી ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. તે પહેલા રકુલ પ્રીત સિંહની પણ પૂછપરછ થઈ હતી. રિપોર્ટ પ્રમાણે, સારાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે અને સુશાંત નિકટના મિત્રો હતા અને તે ઘણીવાર સુશાંતના ફાર્મહાઉસ પર પણ ગઈ હતી. જો કે, સારાએ ડ્રગ્સ લેવાની વાત નકારી દીધી હતી.