Western Times News

Gujarati News

સોરઠમાં સિંહોના કમોત અટકાવવા ટ્રેનની સ્પીડ ઘટાડવા રેલ તંત્ર સહમત

સિંહોની અવર-જવરના સ્થળોએ અવલોકન કરવા આદેશ

જુનાગઢ, અમરેલી બાદ સોરઠમાં સિંહોના કમોત અટકાવવા સાસણસિંહ સદનમાં વનતંત્ર અને રેલ તંત્રની ડીવીઝન કક્ષાની મળેલી બેઠકમાં જુનાગઢ-વિસાવદર ટ્રેનની સ્પીડ ઘટાડવા રેલ તંત્રએ સંમતી દર્શ્વી હતી તેમજ સિંહોના ટ્રેક પર અવરજવરવાળા સ્થળોએ અવલોકન કરવાના આદેશ અપાયા હતા.

રેલવે ટ્રેક પર સિંહોના કમોત મુદે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રેલતંત્ર નરમ પડયું છે. અને અમરેલી જીલ્લામાં રેલવેએ સ્પીડ ઘટાડવાને અમલ શરૂ કર્યો છે. એટલું જ નહી દર માસે આર.એફ.ઓ અને સ્ટેશન માસ્તર વચ્ચે બેઠક યોજવાનું નકકી થયું છે. તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દર ત્રણ માસે ફરજીયાત બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત આજે સાસણ ખાતે ડીવીઝન કક્ષાની બેઠક યોજાઈ હતી. તેમાં ગીર પશ્ચિમ જુનાગઢ નોર્મલ ડીવીઝનલ જુનાગઢ વિસ્તરણ ડીવીઝન અને તે વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનના અધિકારીઓ જોડાયા હતા. જૂનાગઢ ટ્રેનની સ્પીડ ઘટાડવા માંગણી કરતા રેલ અધિકારીઓને સંમતી આપી હતી. આગામી દિવસોમાં આ ટ્રેનની સ્પીડ ઘટાડવાનો અમલ કરાશે. જે વિસ્તારમાં સિંહની અવર-જવર છે તે તમામ વિસ્તારોમાં ટ્રેનનો લોકો પાઈલોટ ડ્રાઈવર ને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.

તેમજ વન વિભાગના કર્મચારીઓને પણ ટ્રેનની અવરજવર ના સમય દરમ્યાન ખાસ અવલોકન કરવાનું નકકી કરવામાં આવ્યું છે. પીપાવાવ બાદ હવે વિસાવદર, સાસણ તાલાળા, વેરવાળ, ઉના જુનાગઢ સહીતના વિસ્તારોમાંથી ટ્રેન પસાર થાય છે. તેવા વિસ્તારોમાં ત્યાં સિંહોની અવરજવરવાળા હોટસ્પોટ વિસ્તાર નકકી કરવા તજવીજ શરૂ કરી છે.

જુનાગઢ વન વિભાગ દ્વારા જુનાગઢ-વિસાવદર ટ્રેનની સ્પીડ ઘટાડવા રેલ તંત્ર પાસે માંગ કરવામાં આવી તેમાં જણાવ્યું હતું કે આ ટ્રેક ઉપર દિવસમાં ચાર વખત ટ્રેનની અવર-જવર થાય છે. તેમાં વહેલી સવારે અને સાંજે જુનાગઢ-બીલખા વચ્ચે રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર જોવા મળે છે. અને વારંવાર ટ્રેનને થંભાવી દેવી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.