સ્કુલની વિદ્યાર્થીનીઓનો પીછો કરી છેડતી કરતાં લુખ્ખાઓને સોલા પોલીસે ઝડપી લીધા
અમદાવાદ: હાલમાં બનેલાં બળાત્કારનાં તથા છેડતીનાં બનાવો ધ્યાનમાં લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરની શાળા-કોલેજા તથા અન્ય સંસ્થાઓમાં કન્યાઓમાં જાગૃતિ આવે એ માટે અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યાં છે. આવાં જ એક પ્રોગ્રામ દરમિયાન કેટલીક વિદ્યાર્થીઓએ રીસેસ દરમિયાન લુખ્ખા ત¥વો છેડતી કરતાં હોવાની ફરીયાદ કરતાં સોલા પોલીસે છટકું ગોઠવીને છેડતી કરતાં લુખ્ખાઓને રંગેહાથ ઝડપી લીધાં છે.
સોલા પોલીસની શી ટીમ શુક્રવારે ગર્લ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ગોતાની શેઠ અમુલમ સ્કુલ ખાતે ગયા હતા. જ્યાં કાર્યક્રમ દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓ પોતે રીસેસ દરમિયાન તથા શાળા છુટવાનાં સમયે અને નજીકની શાકમાર્કેટમાં જાય છે એ વખતે કેટલાંક લુખ્ખાં તત્ત્વો તેમનો પીછો કરીને બિભત્સ ઇશારા કરતાં હોવાનું જણાવ્યું હતું. આ સાંભળી પોલીસ ચોંકી ઊઠી હતી. ત્યારબાદ પોલીસ સાંજનાં સુમારે ગોતા હાઊસીંગ નજીક આવેલી શાક માર્કેટમાં ખાનગી વેશમાં ગોઠવાઈ ગઈ હતી.
થોડીવાર બાદ કેટલાંક શખ્સો ત્યાં રોમિયોગીરી કરતાં તથા જાહેરમાં બિભત્સ વર્તન કરતાં દેખાતાં સાદા વેશમાં રહેલી મહિલા પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ કરતાં બંને અજયકુમાર દિનેશભાઈ જાદવ (વીર સાવરકર હાઈટ્સ, ગોતા) અને મેહુલ રાજેશ રાઠોડ (શક્તિ ચોક, ગોતા) હોવાનું ખુલ્યું હતું. પોલીસને જાતાંજ બંને રોમીયો ગભરાઈ ગયા હતા. સોલા પોલીસની ટીમે બંને વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહી વિદ્યાર્થીઓ ઊપરાંત નજીકનાં રહીશોએ પણ બિરદાવી હતી.