Western Times News

Gujarati News

સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

(માહિતી) ગાંધીનગર, સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તા. ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રી નીમાબહેન આચાર્ય દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

સ્વ. અબ્બાસ તૈયબજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ડૉ. નીમાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના પ્રિય, ન્યાયપ્રેમી, ધર્મપ્રેમી અને પ્રામાણિક જીવનના પ્રખર એવા તૈયબજીના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ પ્રામાણિકતાના પ્રહરી બનીએ.

તેમણે ઉમેર્યું કે તેમનો જન્મ તા.૧લી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. અભ્યાસ વડોદરા લઈ લંડન જઇને બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં તેઓશ્રી ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ ગાંધીજીના વફાદાર વ્યક્તિ હતા. તિલક સ્વરાજ્ય ફંડની ઉઘરાણી અંગે પણ સૌથી વધુ ફંડ ઉઘરાવી તેઓ પ્રથમ રહ્યા હતા.

આ પ્રસંગે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.