હવે દુનિયાભરમાં ચોખાની કિંમતમાં વધારો ઝીંકાશેનો મંડરાતો ભય
નવીદિલ્હી,અનેક અનાજ બાદ હવે ચોખા મોંઘા થવાનો વારો છે. ચોખાના વ્યવસાય સાથે જાેડાયેલા લોકોએ આ આશંકા વ્યકત કરી છે. વિશ્વ પહેલેથી જ ઘઉં, લોટ અન્ય કેટલાક અનાજ, ખાંડ, ખાદ્ય તેલ અને માંસની મોંઘવારીથી પરેશાન છે. હવે સંયુકત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઇઝેશને ખુલાસો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમત ગયા મહિને ૧૨ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે.
છેલ્લા પાંચ મહિનાથી ચોખા સતત મોંઘા થઇ રહયા છે.નિષ્ણાતોના મતે, કોરોના મહામારી અને ત્યારબાદ યુક્રેન યુદ્ઘના કારણે સર્જાયેલી સ્થિતિએ ખાતર અને ઇધણ મોંઘા કરી દીધા છે. જેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. આ સિવાય કેટલાક દેશોએ અનાજ અને ખાદ્ય તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. તેની અસર વિશ્વ બજારમાં ભાવ પર પણ પડી છે.
નિષ્ણાતોના મતે વિશ્વમાં ચોખાનું ઉત્પાદન વ્યાજબી સ્તરે છે. પરંતુ ઘઉંના ભાવને કારણે ચોખાની માંગ વધી છે. જાપાનીઝ ઇન્વેસ્ટમેન્ટ બેંક નોમુરાના ચીફ ઇકોનોમિસ્ટ સોનલ વર્માએ અમેરિકન ટીવી ચેનલ સીએનસબીસીને કહયું કે, આપણે ચોખાના ભાવ પર નજર રાખવી પડશે. ઘઉંના ભાવને કારણે મોટી સંખ્યામાં લોકોએ તેમના આહારમાં ચોખાનું પ્રમાણ વધાર્યુ છે.
આના કારણે હાલના સ્ટોકની સરખામણીમાં ચોખાની માંગમાં વધારો થયો છે. વર્માએ કહયું કે ખાતરના ભાવમાં વધારાને કારણે ખેતીનો ખર્ચ વધી ગયો છે. ઇંધણની મોંઘવારી પણ ખેતી પર અસર કરી રહી છે. તેમ છતાં, તેમણે કહયું કે ચોખા અન્ય અનાજની જેમ મોંઘા થવાની શકયતાઓ હજુ પણ ઓછી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઘઉંના ભાવમાં વધારો થયો છે.
રશિયા અને યુક્રેન બંને ઘઉંના સૌથી મોટા નિકાસકારોમાં સામેલ છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ત્યાંથી થતી નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા સપ્તાહે તેની કિંમતમાં ચાર ટકાનો વધારો થયો હતો. વિશ્વ બજારમાં આજે ઘઉંના ભાવ એક વર્ષ પહેલા કરતાં દોઢ ગણા વધુ છે.વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેટા મુજબ વિશ્વમાં ચોખાના ઉત્પાદનની બાબતમાં ચીન પ્રથમ અને ભારત બીજા ક્રમે છે.
ઇન્ડોનેશિયા ત્રીજા, બાંગ્લાદેશ ચોથા, વિયેતનામ પાંચમા અને થાઇલેન્ડ છઠ્ઠા ક્રમે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચોખાના ફુગાવાની સૌથી ખરાબ અસર એશિયા પર પડશે, જયાં ચોખાનો સૌથી વધુ વપરાશ થાય છે. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં દક્ષિણ એશિયાના પ્રાદેશિક પ્રતિનિધિ નફીસ મિયાંએ કહયું કે, પૂર્વ તિમોર, લાઓસ, કંબોડિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં મોટી વસ્તી છે.
ત્યાં મોટી સંખ્યામાં લોકો ખોરાકની અસુરક્ષાનો ભોગ બને છે. આવી સ્થિતિમાં જાે ચોખા મોંઘા થઇ જશે તો તેમના પર ખૂબ જ ખરાબ અસર પડશે.HS2KP