હાથમાં દર્દ હોવા છતાં નોવાક જોકોવિચ જીત્યો
મુંબઈ: વિશ્વનો પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચે ડાબા હાથની પીડાથી ઝઝૂમીને ૧૭મો ક્રમાંકિત પાબ્લો કારેનો બુસ્ટાને હરાવી દસમી વખત ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
જોકોવિચની શરૂઆત ધીમી હતી અને તે વચ્ચે ઘણી વખત પીડાથી ઝઝૂમી રહ્યો હતો. તેણે ટ્રેનર પાસે ચાલુ મેચે માલિશ પણ કરાવી હતી.
જોકોવિચે આ મેચ ૪-૬, ૬-૨, ૬-૩, ૬-૪થી જીતી લીધી અને પેરિસ ખાતેના બીજા ખિતાબની નજીક એક ડગલું ભર્યું હતું. ગયા મહિને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ બંને ખેલાડીઓ આમને-સામને હતા
જ્યારે લાઇન જજ પર ગુસ્સામાં બોલને મારવાને કારણે જોકોવિચને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રમેલી તમામ દસ મેચમાં જોકોવિચે જીત હાંસલ કરી છે.
હવે સેમિફાઈનલમાં તેનો મુકાબલો વિશ્વનો પાંચમો ક્રમાંકિત સ્તેફાનોસ સિટસિપાસ સાથે થશે. જયારે બીજી સેમિફાઇનલમાં બીજો ક્રમાંકિત રફેલ નડાલનો સામનો ૧૨મો ક્રમાંકિત ડિએગો શ્વાર્ટઝમેન સામે થશે.
મહિલા સેમિફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી સોફિયા કેનિનનો સામનો સાતમી ક્રમાંકની પેટ્રા કવિતોવા સામે થશે. તે જ સમયે ૫૪મી ક્રમાંકિત ઇગા સ્વિયાતેકનો મુકાબલો ૧૩૧મી ક્રમાંકિત નાદિયા પોદોરોસ્કા સાથે થશે.
ફ્રેન્ચ ઓપનમાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનાર નાદિયા પ્રથમ ક્વોલિફાયર છે. સિટસિપાસે આંદ્રે રુબલેવને ૭-૫, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો.