હાથીજણઃ મ્યુનિ. કોર્પો.ના ગોડાઉનમાંથી ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં આ ટોળકીઓ ત્રાટકીને ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપી રહી છે જેના પરિણામે નાગરિકો પણ અસલામતીની લાગણી અનુભવી રહયા છે
આ પરિસ્થિતિમાં શહેરના પૂર્વ વોર્ડમાં હાથીજણ વિસ્તારમાં આવેલા મ્યુનિ. કોર્પો.ના રોડ ખાતાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનમાંથી ચાર જેટલા કોમ્પ્યુટર, પ્રિન્ટરો, લોખંડની જાળી તથા અન્ય કિંમતી સામાન ચોરી કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે ગુનાખોરીનો આંક સતત વધી રહયો છે પોલીસની નિષ્ફળતાના કારણે ગુનેગારો બેફામ બનવા લાગ્યા છે ખાસ કરીને ચોરી અને લુંટફાટ કરતી ટોળકીઓના કારણે નાગરિકો પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહયા છે. તસ્કરો અને લુંટારુઓ રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકતા હોય છે.
શહેરના પૂર્વ વોર્ડમાં હાથીજણ વિસ્તારમાં નિરમા કેનાલ પાસે મ્યુનિ. કોર્પો.નું ગોડાઉન આવેલુ છે અને તેમાં કિંમતી માલ સામાન ઉપરાંત ભંગાર પડેલો છે કોર્પોરેશનના ગોડાઉનમાં કર્મચારીઓ પણ કામ કરી રહયા છે તા.૧૧મીના રોજ કર્મચારીઓ નિત્યક્રમ મુજબ સાંજે ગોડાઉનને તાળુ મારી ઘરે પરત ફર્યાં હતાં.
મ્યુનિ. કર્મચારીઓ તા.૧રમીના રોજ સવારે ગોડાઉન પર પહોંચ્યા ત્યારે ગોડાઉનનું તાળુ તુટેલુ હતું આ દ્રશ્ય જાતા કર્મચારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી જેના પગલે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાંથી પાંચ જેટલા કોમ્પ્યુટર તથા ચાર પ્રિન્ટર, બાયોમેટ્રીક મશીન, લોખંડની મોટી જાળી તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી થયાનું માલુમ પડયું હતું. મ્યુનિ. કોર્પો.ના ગોડાઉનમાંથી ચોરી થવાની ઘટનાના પગલે અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતાં.
આ અંગેની જાણ વટવા જીઆઈડીસી પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
મ્યુનિ. કર્મચારીઓએ ગોડાઉનમાં રાખેલા માલસામાનની તપાસ શરૂ કરી હતી જેમાંથી કેટલોક ભંગાર પણ ચોરી કરાયો હોવાનું માલુમ પડયું છે આટલી મોટી માત્રામાં ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. લોખંડનો માલસામાન કઈ રીતે તસ્કરો ઉઠાવી ગયા તે ચર્ચાનો વિષય છે.
મ્યુનિ. કોર્પો.ના ગોડાઉનમાંથી ચોરી થવાની ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ પણ આ અંગે તપાસ શરૂ કરાવડાવી છે. બીજીબાજુ પોલીસ અધિકારીઓ પણ તપાસ કરી રહયા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા પોલીસને મળ્યા નથી આ અંગે આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર દિનેશભાઈ બેચરભાઈ પટેલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. જાકે પાંચ કોમ્પ્યુટર, ચાર પ્રિન્ટર, બાયોમેટ્રીક મશીન, લોખંડનો માલસામાન સહિતની ચીજવસ્તુઓ ચોરી થવા છતાં ચોરાયેલા મુદ્દામાલની રકમ રૂ.ર૦ હજાર બતાવવામાં આવી છે.