હું રાષ્ટ્રપતિ બનવાનો નથીઃ શરદ પવારની સ્પષ્ટતા
મુંબઈ: એનસીપીના સુપ્રીમો શરદ પવારે તે રાષ્ટ્રપતિ બનવાના છે તે અટકળ પર જાતે જ પૂર્ણવિરામ લગાવી દીધું છે. શરદ પવારે જણાવ્યું હતું કે આ વાત બિલકુલ નિરાધાર છે કે પ્રશાંત કિશોરે મારી સાથે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી અંગે વાતચીત કરી. આ સવાલ જ ઉઠતો નથી.
મને ખબર નથી કે તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કયા પ્રકારનું ગણિત લગાવ્યું છે. તે મને મળ્યા હતા અને મારી મુલાકાત રાજકીય ન હતી. તેમા ૨૦૨૪ની ચૂંટણી અંગે પણ કંઈ ચર્ચા થઈ ન હતી.
હાલમાં માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર સમગ્ર વિપક્ષને એકજૂથ કરવામાં લાગેલા છે, જેથી આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનસીપીના નેતાને વિપક્ષના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ તરીકે રજૂ કરી શકાય. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પછી ત્રણ વખત બંગાળની મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થશે.
આ સમયે દેશને એક નવા રાષ્ટ્રપતિની જરુરિયાત હશે. તેથી વિપક્ષ સર્વસંમત ઉમેદવારની પસંદગીમાં રોકાયેલો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત રાહુલના નિવાસ્થાને થઈ હતી. તે સમયે ત્યાં કેકે વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી હાજર હતા. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર ભાજપ સાથે પણ કામ કરી ચૂક્યા છે.