૧૦ દિવસ તેમજ ત્રણ વીડિયો છતાં દીપ સિદ્ધૂ પહોંચની બહાર
નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ આ કેસમાં મુખ્ય આરોપી અભિનેતા દીપ સિદ્ધુ ઘટનાના ૧૦ દિવસ, ૧૪ કલાક અને ત્રણ વિડીયો બાદ પણ ફરાર છે. દિલ્હી પોલીસે લુકઆઉટ નોટિસથી લઈને ઈનામ જાહેર કરવાના તમામ પ્રયત્નો કર્યા છતાં તેને શોધવામાં ફાંફા પડી રહ્યા છે. દીપ સિદ્ધુનો પરિવાર અને મિત્રો પણ તેના વિશેની કોઈપણ માહિતી આપવા માટે ઈનકાર કરી રહ્યો છે. સંસદથી લઈને ખેડૂત આંદોલનના ધરણા સ્થળ પરથી દીપ સિદ્ધુની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે દીપ સિદ્ધુની હજી ધરપકડ નહીં થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાઉતે પૂછ્યું કે આ દીપ સિદ્ધુ કોણ છે અને કેમ તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી?
પોલીસની પકડથી દૂર દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પહેલો વિડીયો જારી કર્યો અને કહ્યું કે તે નિર્દોષ છે. દીપ સિદ્ધુએ તેના વિડીયોમાં કહ્યું હતું કે મેં પંજાબ અને અહીંના લોકોનો અવાજ ઉઠાવ્યો છે પરંતુ મને દેશદ્રોહીની જેમ પેશ કરવામાં આવી રહ્યો છે. આ પછી, સિદ્ધુએ ૨ ફેબ્રુઆરીએ પણ વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયોમાં તેણે સની દેઓલ પર પોતાની જાતને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. દીપ સિદ્ધુએ ત્રીજી તારીખે જારી કરેલા વિડીયોમાં કહ્યું છે કે અમે જૂઠાણાના આધારે લડી શકતા નથી, સત્યને સ્વીકારવાનું શરૂ કરો.
સિદ્ધુનું લોકેશન પણ વારંવાર બદલાઈ રહ્યું છે. ક્યારેક હરિયાણા તો ક્યારેક પંજાબમાં લોકેશન પ્રાપ્ત થઈ રહ્યું છે. એક વિડીયોમાં તેણે બિહારમાં હોવાનો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસની એક ટીમ તેને પકડવા બિહાર પણ જવા રવાના થઈ છે. દીપ સિદ્ધુની માહિતી આપનારને પોલીસે ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ૨૬ જાન્યુઆરીની હિંસાના બીજા જ દિવસે દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ વિરુદ્ધ ભડકાઉ ભાષણો અને ઉપદ્રવ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધી હતી. પોલીસે દીપ સિદ્ધુ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે. દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં દીપ સિદ્ધુ લાલ કિલ્લા પર હાજર હતા. જ્યારે ઐતિહાસિક લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હતો ત્યારે દીપ સિદ્ધુએ તેને તેના ફેસબુક પેજ પર લાઈવ હતો. અહેવાલો અનુસાર તે સમયે તે ખેડૂતોની સામે ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યો હતો. જાે કે, હિંસા ચરમસીમાએ પહોંચતાં જ સિદ્ધુ ત્યાંથી ગુમ થઈ ગયો.
ખેડૂત નેતાઓએ લાલ કિલ્લા પર થયેલી હિંસા માટે અભિનેતા દીપ સિદ્ધુને જવાબદાર ગણાવ્યો છે. હિંસા બાદ ખેડૂત સંગઠનોએ દીપ સિદ્ધુથી પોતાને દૂર રાખ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો હતો કે દીપ સિદ્ધુ ભાજપના માણસ છે.SSS