૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦% ઈથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્યાંક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પુનામાં એક ખેડૂત સાથે વાતચીત કરી હતી કે જેણે ખેતીવાડીમાં બાયોફ્યુઅલનાં વપરાશ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગનો અનુભવ વર્ણવ્યો હતો.
વડાપ્રધાને ભારતમાં ઈથેનોલ બ્લેન્ડીંગ ૨૦૨૦-૨૫નો નિષ્ણાત સમિતિનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. તેમણે દેશભરમાં ઈથેનોલનાં ઉત્પાદન અને વિતરણ માટેનો મહત્વાકાંક્ષી ઈ-૧૦૦ પાયલોટ પ્રોજેક્ટ પણ પુનામાં ખૂલ્લો મૂક્યો હતો. આ વર્ષનાં કાર્યક્રમની થીમ વધારે સારા પર્યાવરણ માટે બાયોફ્યુઅલને પ્રોત્સાહન છે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ નીતિન ગડકરી, નરેન્દ્રસિંઘ તોમર, પ્રકાશ જાવડેકર પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઈથેનોલ સેકટરનાં વિકાસને રોડમેપ તૈયાર કરીને ભારતે મોટો કૂદકો લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે ૨૧મી સદીમાં ભારત માટે ઈથેનોલ તે મુખ્ય અગ્રિમતાઓની એક હશે. તેમણે જણાવ્યું કે ઈથેનોલ પરનું લક્ષ્યતે પર્યાવરણ પર સારી અસર પાડશે અને તેની સાથોસાથ ખેડૂતોનાં જીવનને પણ વધુ સારું કરશે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડીંગનું લક્ષ્યાંક સિધ્ધ કરવા પ્રતિબધ્ધ છે. અગાઉ આ લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીનું નક્કી કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૧૪ સુધી ભારતમાં માત્ર ૧.૫ ટકા ઈથેનોલનું બ્લેન્ડીંગ થતું હતું. જે હવે ૮.૫ ટકા પર પહોચ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪ સુધી ભારતમાં અંદાજે ૩૮ કરોડ લિટર ઈથેનોલની ખરીદી થતી હતી. જે હવે ૩૨૦ કરોડ લિટર પર પહોંચી છે. તેમણે જણાવ્યું કે ઈથેનોલની ખરીદીને કારણે દેશનાં શેરડીનાં ખેડૂતોને મોટો ફાયદો થયો છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે ૨૧મી સદીમાં ભારત પોતાની ઉર્જાની જરૂરિયાત આધુનિક વિચારધારા અને આધુનિક નીતિઓ દ્વારા નક્કી શકશે. આ વિચારધારા સાથે સરકાર પ્રત્યેક ક્ષેત્રમાં સતત નીતિવિષયક ર્નિણયો લઈ રહી છે. તેમણે જણાવ્યું કે આજે દેશમાં ઈથેનોલમાં ઉત્પાદન અને વિતરણ માટે જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓનાં નિર્માણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કૃષિ કચરામાંથી ઈથેનોલનાં નિર્માણ માટે આધુનિક ટેકનોલોજી ધરાવતા પ્લાન્ટસ સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.
વડાપ્રધાને પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે ભારત આજે ક્લાઈમેટ જસ્ટીસમાં મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું છે અને તે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવી વૈશ્વિક દૂરંદેશી માટે આગળ વધી રહ્યું છે. તેમણે નોંધ્યું કે ક્લાયમેન્ટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારત આજે વિશ્વનાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે.