૨૩ કરોડ લોકોની દૈનિક આવક રૂ. ૩૭૫ ની નીચે આવી ગઈ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: એક સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોરોના મહામારીનાં સંકટની વચ્ચે ભૂખમરા અંગેનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ પોતાના ટિ્વટર હેન્ડલ પર લખ્યું છે કે, તમારી સત્તાની ભૂખે લાખોને અનાજનાં એક દાણામાં તરસાવી દીધા- તમે છતા કઇ ન કર્યુ, બસ રોજ નવા જુમલા આપ્યા.
રાહુલ ગાંધીએ એક સમાચાર શેર કરતી વખતે આ ટ્વીટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ સમાચારમાં લખ્યું છે કે, કોરોનાનાં કારણેે મધ્યમવર્ગીય રાશનની લાઇનમાં ઉભા રહેવા મજબૂર થઇ ગયો છે. છેલ્લા આઠ મહિનામાં ૨૩ કરોડ લોકોની દૈનિક આવક રૂ. ૩૭૫ ની નીચે આવી ગઈ છે, એમ આ સમાચારમાં કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી, કોરોના વાયરસનાં સંક્રમણથી દેશમાં સામાન્ય જનતાને મોટી તકલીફો પડી રહી છે. દરમ્યાન, દેશનાં લોકોને વાયરસ સંક્રમણથી બચાવવા માટે સરકાર લોકડાઉન અને રસીકરણ જેવા અભિયાન ચલાવી રહી છે અને તમામ પ્રકારનાં માર્ગદર્શિકા જારી કરી રહી છે. આ તમામ પ્રતિબંધોને લીધે, મોંઘવારી અને બેકારી દેશમાં દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.
કેન્દ્ર સરકારનાં આંકડા મુજબ, મે મહિનામાં જથ્થાબંધ મૂલ્યો આધારિત મોંઘવારીનો દર ૧૨.૯૪ ટકા હતો, જે સર્વાધિક ઉચ્ચ સ્તરે છે. અગાઉ એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૧૦.૪૯ ટકા હતો. સતત બે મહિનાથી જથ્થાબંધ મોંઘવારી ડબલ-અંકની રેન્જને પાર કરી ગઇ છે. અગાઉ, કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગયા વર્ષનાં આંકડા મુજબ, ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે મે ૨૦૨૦ માં જથ્થાબંધ મોંઘવારી -૩.૩૭ ટકા હતી.