પ્રથમ લોકસભા ચૂંટણીમાં 10.5 કરોડનો ખર્ચ થયો હતોઃ 2014માં વધીને રૂપિયા 3870 કરોડ
લોકસભા ચૂંટણી વ્યવસ્થાનો પૂરો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે
2024 ચૂંટણી માટે ૧.૫ કરોડ મતદાન અધિકારી અને સુરક્ષા કર્મી તૈનાત થશે. 55 લાખ EVM અને 4 લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
(એજન્સીઃ) દેશમાં લોકસભાની આગામી ચૂંટણી સાત તબક્કામાં થશે. ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થશે. ૨૬ એપ્રિલે બીજા તબક્કા માટે, ત્રીજા તબક્કા માટે ૭મેના રોજ તો રોજ તો ચોથા તબક્કાનું મતદાન ૧૩મેના રોજ થશે.
પાંચમા તબક્કા માટે ૨૦મેના રોજ, ૨૫મેના રોજ છઠ્ઠા તબક્કા માટે તો ૧ જૂનના રોજ સાતમા તબક્કા માટે મતદાન થશે. ૪ જૂનના રોજ પરિણામોની જાહેરાત થશે. ચૂંટણી કવાયત પૂરી થતાં આમ દોઢ મહિનાનો સમય લાગી જશે. હવે જાણીએ કે દેશમાં પ્રથમ ચૂંટણી વખતે કેટલો ખર્ચ થયો હતો અને તે પછી ઉત્તરોઉત્તર ખર્ચ કેટલો વધતો ગયો ?
ચૂંટણી વ્યવસ્થાનો ખર્ચ કોણ ઉઠાવે છે ?
સૌપ્રથમ તો એ જાણી લઈએ કે લોકસભા ચૂંટણીનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. તેમાં ચૂંટણી પંચના વહીવટી કામકાજથી માંડીને મતદાર ઓળખ પત્ર તૈયાર કરવા, ચૂંટણી વખતે સુરક્ષા વ્યવસ્થા, પોલિંગ બૂથ, ઈવીએમ મશીનની ખરીદી, મતદારોને જાગૃત કરવા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણી માટે ખર્ચના અંદાજો
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને વચગાળાનું બજેટ-૨૦૨૪ રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૩માં ચૂંટણી ખર્ચ માટે રૂપિયા ૨૧૮૩.૭૮ કરોડની ફાળવણી થઈ હતી. વચગાળાના બજેટમાં તે ફાળવણી વધીને રૂપિયા ૨૪૪૨.૮૫ કરોડ થઈ હતી. તે ફાળવણી પૈકી રૂપિયા ૧૦૦૦ કરોડ લોકસભા ચૂંટણી પાછળ ખર્ચ થશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે મતદાર ઓળખપત્ર માટેની ફાળવણી વધારીને રૂપિયા ૭૬.૬૬ કરોડ કરવામાં આવી છે.
ઈવીએમ માટે બજેટમાં રૂપિયા ૩૪.૮૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અન્ય ચૂંટણી કર્ચના મદદ હેઠળ કુલ રૂપિયા ૧૦૦૩.૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણી પંચને નાણાકીય વર્ષમાં ચૂંટણી યોજવા રૂપિયા ૩૨૧.૮૯ કરોડ પણ આપવામાં આવ્યા છે. તે પૈકી ૩૦૬.૦૬ કરોડ ચૂંટણી પાછળ થનારા ખર્ચ માટે છે. જાહેર કાર્યાે માટે અલગથી રૂપિયા ૨.૦૧ કરોડની ફાળવણી થઈ છે.
વહીવટી સેવાઓ માટે રૂપિયા ૧૩.૮૨ કરોડની ફાળવણી થઈ છે. નાણાપ્રધાને ગયા વર્ષે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ચૂંટણી સંબંધી ખર્ચ માટે રૂપિયા ૩૧૪૭.૯૨ કરોડ રૂપિયા અને ચૂંટણી પંચના વહીવટી ખર્ચ માટે રૂપિયા ૭૩.૬૭ કરોડની વધારાની ફાળવણી કરી હતી. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે રૂપિયા ૩૮૭૦ કરોડની રકમ ખર્ચ થઈ હતી.
લોકસભાની પ્રથમ ચૂંટણી માટે કેટલો ખર્ચ થયો હતો ?
આઝાદી પછી દેશમાં ૧૯૫૧-૫૨માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. તે સમયે રૂપિયા ૧૦.૫ કરોડનો ખર્ચ થયો હતો. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ વધીને રૂપિયા ૩૮૭૦.૩ કરોડ થયો હતો. આ સમયગાળામાં મતદારોની સંખ્યા પણ ૧૭.૫ કરોડથી વધીને ૯૧.૨ કરોડ થઈ ગઈ છે. વર્ષ ૧૯૫૭ની સામાન્ય ચૂંટણીને બાદ કરતાં તમામ લોકસભા ચૂંટણી ખર્ચમાં વધારો નોંધાતો રહ્યો છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચે તો ચૂંટણી ખર્ચમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા ૧૧૧૪.૪ કરોડ ખર્ચ થયો હતો.
ચૂંટણી ખર્ચ વધવાનાં કારણો
લોકસભા ચૂંટણી ખર્ચમાં અનેક કારણોસર વધારો થતો રહ્યો છે. પ્રથમ તો ચૂંટણીમામં મતદારોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થતો રહે છે. તેને કારણે સંસાધનો પાછળ વધુ ખર્ચ થાય છે. તે ઉપરાંત ઉમેદવારોથી માંડીને, મતદાન મથકો, સંસદીય વિસ્તારો બધું જ વધતું રહે છે. વર્ષ ૧૯૫૧-૫૨માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં ૪૦૧ બેઠકો માટે ૫૩ પક્ષોના ૧૮૭૪ ઉમેદવારો મેદાન ઊતર્યા હતા. વર્ષ ૨૦૧૯માં આ સંખ્ય ખૂબ વધી ગઇ છે. ગત લોકસભા ચૂંટણીમાં કુલ ૫૪૩ બેઠકો માટે ૬૭૩ પક્ષોના ૮,૦૫૪ ઉમેદવારો મેદાને ઊતર્યા હતા. કુલ ૧૦.૩૭ લાખ મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું.
કેટલા લોકો મતદાન કરશે ?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે વર્તમાન ૧૭મી લોકસભાનો કાર્યકાળ ૧૬ જૂન, ૨૦૨૪ના રોજ પૂરો થાય છે. લોકસભા ચૂંટણી માટે તમામ તૈયારી સંપન્ન થઈ ચૂકી છે. દેશમાં લગભગ ૯૬.૮ કરોડ જેટલા નોંધાયેલા મતદારો છે. મતદાન માટે દેશમાં કુલ ૧૦.૫ લાખ મતદાન કેન્દ્રો ઊભા થશે.. ચૂંટણી માટે ૧.૫ કરોડ મતદાન અધિકારી અને સુરક્ષા કર્મી તૈનાત થશે. 55 લાખ ઈવીએમ અને ચાર લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.