ડોનાલ્ડ ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત

જોર્ડનના રાજા અબ્દુલ્લાએ પણ પીએમ મોદીને ફોન કરીને આ ભયાનક આતંકી હુમલાની નિંદા કરી હતી
(એજન્સી)નવી દિલ્હી, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૮ ભારતીયોના મૃત્યુ થયા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે.
દેશ ઉપરાંત વિશ્વભરના દેશોમાં આ અંગે ગુસ્સો છે. દરમિયાન ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય ધરતી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી
અને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારતના દૃઢ નિશ્ચયનો પુનરોચ્ચાર કર્યો.’ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘જોર્ડનના રાજા અબ્દુલ્લાએ પણ પીએમ મોદીને ફોન કરીને આ ભયાનક આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં નકારી કાઢવો જોઈએ અને તેનું કોઈ સમર્થન ન હોઈ શકે.
પ્રધાનમંત્રીએ રાજા અબ્દુલ્લા(દ્વિતીય)નો તેમના એકતાના સંદેશ બદલ આભાર માન્યો અને આ જઘન્ય હુમલા પાછળના ગુનેગારો અને લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે ભારતના લોકોની લાગણીઓ વ્યક્ત કરી હતી.’
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીમ રામગોલમ, અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને આ હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.