મેટ્રોની સાઈટ પરથી ચોરેલા લોખંડના 26 ફરમા સાથે 4 આરોપીઓ પકડાયા
મુદ્દામાલ ભંગારના ડેલામાં વેચવાની પેરવી વખતે જ ટોળકી સકંજામાં
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ મથક વિસ્તારના ધોળાકૂવા ખાતે મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ પર કામ ચાલી રહ્યું છે. ત્યાંથી તાજેતરમાં ચોર ટોળકીએ લોખંડના ર૬ ફરમાની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીનો મુદ્દામાલ ભંગારના ડેલામાં વેચવાની પેરવી કરતી ચોર ટોળકીને ગાંધીનગર એલસીબી-રની ટીમે ઝડપી પાડી હતી અને તેમની પાસેથી રૂ.૧૯,પ૦૦ની કિંમતના લોખંડના ફરમા અને કાર સહિત કુલ રૂ.પ,૩૭,પ૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધોળાકૂવા ગામ નજીક મેટ્રો ટ્રેનની સાઈટ પરથી લોખંડના ર૬ ફરમાની ચોરી થવા અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે જિલ્લા પોલીસ વડાએ ચોર ટોળકીને ઝડપી લેવા માટે એલસીબીને તાકિદ કરી હતી. ત્યારે એલસીબી-ની ટીમના પીઆઈ એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ બાતમીદારોને સક્રિય કરી પીએસઆઈ કે.કે.પાટડિયાની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી
ત્યારે હકીકત મળી હતી કે લવારપુર ગામ નજીકના ભંગારના ડેલામાં શંકાસ્પદ શખ્સો માલ વેચવાની ફીરાકમાં છે તેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને ચોરીના મુદ્દામાલ અને કાર સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં તેમણે કબુલાત કરી હતી કે ધોળાકૂવા ખાતે મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ ઉપરથી ચોરી કરી હતી. ગાંધીનગર એલસીબી-રની ટીમે લોખંડના ફરમા અને કાર સહિત રૂ.પ.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.