સિક્કમના નાકુલામાં એલ.એ.સી. ઉપર ભારત ચીન સેના વચ્ચે ઘર્ષણ

File
નવી દિલ્હી, ભારત ચીન વચ્ચે સરહદ પર સતત તંગદીલી વર્તી રહી છે. ચીને ઘુસણખોરી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં સિક્કીમના નાકુલામાં ચીનની સેનાએ ભારતની સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરતાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ઘર્ષણ થયું હતુ. જેમાં ચીનના 20થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ભારતના ચાર સૈનિકોને ઈજા પહોંચી છે.
લગભગ ચાર મહિના પહેલા વાસ્તવિક નિયંત્રણ રેખા પર વધુ સૈનિકો તૈનાત ન કરવાના પોતાના પ્રસ્તાવનું ચીન જ ઉલ્લંઘન કરી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, ચીનની સના પૂર્વ લદાખમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને ચૂપકિદીથી પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.
ચીને પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશો હવે પોતાના સૈનિકો નહીં વધારે. સપ્ટેમ્બરમાં બંને પક્ષો તરફથી સ્ટેટમેન્ટ જારી કરાયું હતું, જેને સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બંનેએ એવું કોઈપણ પગલું નહીં ઉઠાવવાનું વચન આપ્યું હતું કે જેનાથી સ્થિતિ વધુ જટિલ બની જાય.
સેનાના સૂત્રો મુજબ, ચાર મહિના પછી ચીને તેનું ઉલ્લંઘન કર્યું છે. ઈન્ડિયા ટુડેએ દાવો કર્યો છે કે, ચીન ચૂપચાપ લદાખના દેપસાંગમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે અને દૌલત બેગ ઓલ્ડીની પાસે નવી જગ્યા પર તૈનાતી કરી રહ્યું છે. ચીનની હરકતો જાેતા ભારત પહેલેથી જ પોતાની મજબૂતી માટે પગલાં ઉઠાવવા મજબૂર છે. હાલમાં સરહદની બંને તરફ લગભગ ૫૦-૫૦ હજાર સૈનિક તૈનાત છે અને એ પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ભારતે તાજેતરમાં જ ચીનના બે સૈનિકોને પાછા પહોંચાડ્યા છે, જે રસ્તો ભૂલી ગયા હતા અને ભારતની સરહદમાં આવી ગયા હતા. મેમાં તણાવ શરૂ થયા બાદ ચીનની સેના એલએસીની નજીક ૮ કિમી અંદર સુધી આવી ગઈ હતી અને પૂર્વ લદાખમાં ઘણી જગ્યાએ તંબૂ લગાવી દીધા હતા.
ભારત તરફથી વિરોધ કરવા છતાં ચીનની સેના પાછી ન હતી અને બંને દેશોની સેનાઓએ વધારાના સૈનિકો સરહદ પર તૈનાત કરી દીધા. સાથે જ ટેન્ક, આર્ટિલરી અને હવાઈ હુમલા કરવાની પણ પૂરી તૈયારી સરહદ પર થવા લાગી. ગત વર્ષે ઓગસ્ટમાં ભારતીય સૈનિકોએ પેગોંગ ત્સોના દક્ષિણ કિનારે કબજાે કરી લઈ ચીનના સૈનિકોને ચોંકાવી દીધા હતા. ભારતીય સૈનિક ગુરુંગ હિલ, મગર હિલ, મુખપરી, રેચિન લા અને રેજેંગ લામાં પણ પોતાના દબદબો કાયમ કરવામાં સફળ રહ્યા.