મારુતિ કુરિયરની હીરો ઈલેક્ટ્રિક પાસેથી 500 ઈ-બાઈક્સ ખરીદવાની યોજના
શ્રી મારુતિ કુરિયરે કુરિયર ઉદ્યોગમાં સૌપ્રથમવાર ગ્રીન એનર્જી સપ્લાય ચેઈનના પ્રારંભ માટે હીરો ઈલેક્ટ્રિક સાથે હાથ મિલાવ્યા
અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી અગ્રણી કુરિયર કંપનીએ ઈલેક્ટ્રિક વાહનો સાથે ઈકો-ફ્રેન્ડલી ડિલિવરી સર્વિસનો પ્રારંભ કર્યો
અમદાવાદ, ભારતની ટોચની લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક શ્રી મારૂતિ કુરિયર સર્વિસિસે ભારતના પાંચ શહેરોમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની મદદથી પર્યાવરણની જાળવણી (ઈકો-ફ્રેન્ડલી) થાય તે રીતે ડિલિવરી સર્વિસનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી કંપનીએ અમદાવાદ, નવી દિલ્હી, મુંબઈ, પૂણે તથા ચેન્નઈ એમ કુલ પાંચ શહેરોમાં આ પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે.
કંપનીએ આ માટે દેશની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની હીરો ઈલેક્ટ્રિક સાથે હાથ મિલાવ્યા છે. આ સાથે જ શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ, કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ગ્રીન એનર્જી સપ્લાય ચેઈનનો નવો ચીલો ચાતરનાર દેશની સૌપ્રથમ કંપની બની છે. કંપની આગામી સમયમાં બીજા 20 શહેરોમાં આ પ્રકારની સેવાનો પ્રારંભ કરવાની તથા નાણાકીય વર્ષ 2021માં વધુ 500 ઈ-બાઈક્સ ખરીદવાની યોજના ધરાવે છે.
શ્રી મારુતિ કુરિયર સર્વિસીસ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરીયાએ આ પહેલ વિશે બોલતા જણાવ્યું હતું કે “અમે ભારતના પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેને અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. કુરિયર અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ અત્યંત પ્રાઈસ સેન્સિટિવ છે, જેમાં ઈંધણનો ખર્ચ એ અમારા વ્યવસાયનું મહત્વનું પરિબળ છે.
ઇ-બાઇક અપનાવવાને પગલે, અમે બળતણખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકવા ઉપરાંત, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ફાળો આપી શકીશું અને પરંપરાગત ડિલિવરી ઉપકરણોની તુલનામાં વધુ સ્પર્ધાત્મક સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બનીશું. ડિલિવરી પર્સન માટે પણ શહેરની અંદર પાર્સલ પહોંચાડવાની કામગીરી સરળ અને આરામદાયક બની રહેશે.
અમને કંપની માટે આ મોડેલ વધુ સાતત્યપૂર્ણ અને ખર્ચ ઘટાડનારું જણાય છે અને આગામી સમયમાં અમે અનેક શહેરોમાં તેનો પ્રાંરભ કરવાની યોજના બનાવી રહ્યા છીએ”.
શ્રી મારૂતિ કુરિયર સાથે જોડાણ અંગે હીરો ઈલેક્ટ્રિકના સીઈઓ શ્રી સોહિન્દર ગિલે જણાવ્યું હતું કે “વધુને વધુ વેપારી એકમો સાથે ભાગીદારી કરીને તેમના પરંપરાગત વાહનોને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં રૂપાંતરિત કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અમારી બાઈક્સ સાથે આ ગ્રીન કોરિડોર બનાવવા દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર્સ સાથે ભાગીદારી કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
નવી એનવાયએક્સ-એચએક્સ સિરીઝ ફ્લેક્સિબલ, મોડ્યુલર અને વર્સેટાઈલ છે જે સમજદાર ગ્રાહકની મોટાભાગની જરૂરિયાતો સંતોષે છે. આ શ્રેણી સાથે અમે લાસ્ટ માઈલ ડિલિવરીઝ માટે દરેક ચાર્જિંગ પર 82 કિમીથી માંડીને 210 કિમી સુધીની લાંબી માઈલેજ રેન્જ પૂરી પાડવા માટે સક્ષમ બનીશું.”
શ્રી મારુતિ કુરિયર સર્વિસીસ દેશભરમાં 2,650 આઉટલેટ્સ અને ચોવીસ કલાક કાર્યરત 89 પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે. કંપની 15,000થી વધુ પ્રતિબદ્ધ અને ખંતીલા કર્મચારીઓ, ફ્રેન્ચાઇઝીઓ અને અન્ય સહયોગીઓનો બહોળો પરિવાર ધરાવે છે.
કંપનીએ કુરિયર સર્વિસ ઉપરાંત સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવાઓમાં પણ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો છે. કંપની હવાઈ અને માર્ગ પરિવહન દ્વારા દૈનિક ધોરણે 2.5 લાખ કુરિયર અને કન્સાઇનમેન્ટનું હેન્ડલિંગ કરે છે.
આર્થર ડી લિટલ અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના નવા અહેવાલ અનુસાર, ભારતનું સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે સૌથી મોટું છે, જેમાં 10.5 ટકા સીએજીઆરથી વિકસી રહેલા લોજિસ્ટિક્સ ઉદ્યોગનું કદ 215 અબજ ડોલરનું છે.
ગ્રીન એનર્જી અપનાવવા તથા કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની દિશામાં કેન્દ્ર સરકાર ગંભીર અને સક્રિય પ્રયત્નો હાથ ધરી રહી છે ત્યારે યોગ્ય નીતિઓ તથા પહેલ ભારતના લોજિસ્ટિક ક્ષેત્રને વધુ વૃદ્ઘિ હાંસલ કરવામાં તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવામાં મદદરૂપ બની રહેશે.