Western Times News

Gujarati News

અમરોલી પોલીસે માથાભારે 12 શખ્સો સામે રાયોટીંગ અને ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો

યુવકને માર મારી ઓફિસમાં તોડફોડ કરી ડીવીઆર મળી ૬૦ હજારની ચોરી કરી મારી નાખવાની ધમકી

સુરત,  મોટા વરાછા અબ્રામા રોડ પર એક જમીન પર કબ્જાે કરવા માટે ચિરાગ ભરવાડ સહીત ૧૧ અસામાજિક તત્વોની ગેંગ ફાર્મ હાઉસમાં ઘુસી ગઈ હતી. જેઓએ ઓફિસમાં તોડફોડ કરી હાજર યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

એટલું જ નહિ પરંતુ ઓફિસમાં આતંક મચાવાય બાદ અસામાજિક તત્વો ફાર્મ, હાઉસમાં લગાવવામાં આવેલ સીસીટીવી તોડી નાખી ડીવીઆર તથા વાયરના બંડલ મળી ૬૦ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારના સંબંધીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટમાં રહેતા અને હાલમાં સુરતમાં સિંગણપોર વેડરોડ ડભોલી સંકલ્પ હાઈટ્‌સમાં રહેતા નીલેશભાઇ કાંતીભાઇ સોજીત્રા કંટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટાવરાછા અબ્રામા રોડ ટી.પી ૮૪ , એફ.પી નંબર ૨૨૫ વાળી પ્લોટ વાળી જમીનમા તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. છેલ્લા ઘણા સમયથી આ જગ્યા પર અસામાજિક તત્વોની નજર હતી. જેથી ફાર્મ હાઉસની દેખરેખ માટે નિલેશભાઈએ તેમના સબંધી આશિષ ઠુમ્મરને ત્યાં જ રાખ્યા હતા.

ગતરોજ આશિષ ઠુમ્મર સવારે ૧૦ વાગ્યાના અરસામાં ફાર્મ હાઉસ પર બહાર બેઠા હતા ત્યારે માથાભારે ચિરાગ ભરવાડ તથા રામજી તથા બીજા આઠ નવ ઇસમો ત્યાં આવ્યા હતા અને તેઓએ આ જમીન પર કબ્જાે કરવા માટે અંદર ઘુસી આવ્યા હતા અને આશીષ ઠુમ્મરને ત્રણ લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અસામાજિક તત્વોએ તેઓના ફાર્મ હાઉસના ઓફીસના તાળા તોડી ઓફીસમા ઘુસી જઇ સી.સી.ટી.વી કેમેરાના ડી.વી.આર તથા એલ.સી.ડી તથા વાયરના બંડલ મળી આશરે ૬૦,૦૦૦ મતાની ચોરી કરી હતી.

આ ઉપરાંત અંદર લગાવેલા સી.સી.ટી.વી કેમેરાને તોડી ૧૨,૦૦૦ રૂપિયાનું નુકશાન પણ કર્યું હતું. બનાવને પગલે આખરે ભોગ બનનાર આશિષ ઠુમ્મરે નિલેષભાઈને વાત કરતા તેઓ ત્યાં આવ્યા હતા અને બાદમાં અમરોલી પોલીસ મથકે ગયા હતા. અમરોલી પોલીસ મથકમાં નિલેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગ ભરવાડ અને તેની ગેંગ સામે ઘરફોડ ચોરી તથા રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.