હાલમાં ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પ્રવાસથી અમેરીકી નાગરિકો બચે: અમેરિકા
વોશિંગ્ટન, અમેરિકાની નવી સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતનો પણ ઉલ્લેખ છે. જાે બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને કહ્યું છે કે હાલના સમયમાં તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ નો પ્રવાસ કરવાથી બચવું જાેઈએ. એડવાઈઝરીમાં કહેવાયું છે કે કોરોના મહામારી અને આતંકવાદને ધ્યાનમાં રાખીને આ દેશોની મુસાફરી કરવાની યોજના પર પુર્નવિચાર કરવો જાેઈએ. આ ઉપરાંત સરકાર અનેક અન્ય દેશો પર ટ્રાવેલ બેન લગાવવાનો પણ વિચાર કરી રહી છે.
અમેરિકા ના વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. પરંતુ હજુ પણ ભારત લેવલ ૪માં આવે છે. જે મુસાફરી માટે સારું નથી. મંત્રાલયે કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદ પર જીવનું જાેખમ થઈ શકે છે. આથી અમેરિકી નાગરિકો ત્યાં ન જાય. આ સાથે જ વિદેશ મંત્રાલયે નાગરિકોને અફઘાનિસ્તાનની મુસાફરી પણ ન કરવાની સલાહ આપી છે.
દક્ષિણ એશિયાના ચાર દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે અલગ અલગ યાત્રા ભલામણો બહાર પાડી. જેમાં કહેવાયું કે કોવિડ-૧૯, આતંકવાદ અને જાતીય હિંસાના કારણે લોકોએ પાકિસ્તાનની મુસાફરી કરવાથી બચવું જાેઈએ. અમેરિકી નાગરિકોને આતંકવાદ અને અપહરણની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં ન જવાની અપીલ કરાઈ છે.
બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને આતંકવાદ અને સંભવિત સંઘર્ષની આશંકાના કારણે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં જવાથી બચવાનું જણાવ્યું છે. પ્રશાસને કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોની મુસાફરી ન કરે. આ વિસ્તારોમાં આતંકી સમૂહો ગતિવિધિઓ ચલાવે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન તરફથી સમયાંતરે યુદ્ધવિરામનો ભંગ થતો રહે છે. પાકિસ્તાનના સૈનિકો કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ શરૂ કરી દે છે.HS