Western Times News

Gujarati News

UPSC: પાત્રતાના નિયમોમાં મોટા ફેરફાર, હવે સેવા બદલવી કે ફરી પરીક્ષા આપવી સરળ નહીં રહે

આઈપીએસને લઈને નિયમ વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા

(એજન્સી)નવી દિલ્હી, સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા પરીક્ષા (સીએસઈ) ૨૦૨૬ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે પાત્રતાના નિયમો અને ‘એટેમ્પ્ટ’ (પ્રયાસો) ને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને કડક ફેરફારો કર્યા છે.

ખાસ કરીને જે ઉમેદવારો અગાઉથી આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ જેવી સેવાઓમાં નિયુક્ત છે, તેમના માટે ફરીથી પરીક્ષા આપવાના અને સર્વિસ બદલવાના નિયમો વધુ સ્પષ્ટ અને સખત બનાવવામાં આવ્યા છે.

યુપીએસસી આ પરીક્ષા દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ સહિતની ગ્રુપ-એ અને ગ્રુપ-બી સેવાઓ માટે કુલ ૯૩૩ જગ્યાઓ પર ભરતી કરશે. ઈચ્છુક ઉમેદવારો યુપીએસસીનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને ૨૪ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાના આધારે પહેલેથી જ આઈએએસ અથવા આઈએફએસમાં નિયુક્ત થઈ ચૂક્યા છે અને સેવામાં કાર્યરત છે, તેઓ સીએસઈ ૨૦૨૬માં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત જો કોઈ ઉમેદવાર પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ મુખ્ય પરીક્ષા (મેઈન્સ) પહેલા આઈએએસ/આઈએફએસ તરીકે નિયુક્ત થાય છે, તો તે મેઈન્સ પરીક્ષા આપી શકશે નહીં.

મેઈન્સ પછી અને ફાઈનલ રિઝલ્ટ પહેલા જો નિયુક્તિ થાય, તો તેને નવી પરીક્ષાના આધારે નવું સેવા ફાળવણી મળશે નહીં. આ વખતે આઈપીએસ કેડર માટેના નિયમોમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જે ઉમેદવારો હાલમાં આઈપીએસ તરીકે કાર્યરત છે, તેઓ જો સીએસઈ ૨૦૨૬ આપે છે, તો તેમને ફરીથી આઈપીએસ કેડર ફાળવવામાં આવશે નહીં. એટલે કે, તેઓ ફરીથી એ જ સેવામાં આવવા માટે પાત્ર રહેશે નહીં.

જો કોઈ ઉમેદવાર સીએસઈ ૨૦૨૬ દ્વારા આઈપીએસ કે અન્ય ગ્રુપ-એ સેવા મેળવે છે અને ફરી ૨૦૨૭માં પરીક્ષા આપવા માંગે છે, તો તેણે સંબંધિત વિભાગ પાસેથી તાલીમમાં છૂટ લેવી પડશે. મંજૂરી વિના તાલીમ છોડનારની સેવા ફાળવણી રદ થઈ શકે છે. સીએસઈ ૨૦૨૫ કે તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને એક વિશેષ તક અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.