Western Times News

Gujarati News

રોહિંગ્યા શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

બે બોટનો સંપર્ક તૂટી ગયા પછી કોઈ ભાળ મળી નથી

મ્યાંમારના અયેયારવાડીના તટેથી આ બોટ રવાના થઈ હતી અને તે પણ બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પમાં જવા નીકળી હતી

સિડની,સંયુક્ત રાષ્ટ્રસંઘની રેફ્યૂજી એજન્સી અને માઈગ્રેશન ઓર્ગેનાઈઝેશને ચિંતા વ્યક્ત કરી છે કે રોહિંગ્યાઓની બે બોટ બંગાળની ખાડીમાં ડૂબી ગઈ છે અને એમાં ૫૦૦થી વધુનાં મોત થયા છે. બે બોટનો સંપર્ક તૂટી ગયા પછી કોઈ ભાળ મળી નથી. જોકે, સત્તાવાર રીતે આંકડો જાહેર થયો નથી. આ બોટ ડૂબી જવાની ઘટના થોડા દિવસ પહેલાં બની હતી. બંને હોડી ભેદી રીતે ડૂબી ગયાનું કારણ જાણવા મળ્યું નથી. ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાથી બોટ ડૂબી જવાની શક્યતા છે.મ્યાંમારના લઘુમતી રોહિંગ્યા સમુદાયના લોકો હિંસાથી બચવા શરણાર્થી કેમ્પોમાં જવા માટે જોખમી રસ્તા લેતા હોય છે.

એવી જ એક ઘટના સામે આવી છે. મ્યાંમારના પશ્વિમી તટ પર આવેલા રાજ્ય રખાઈનમાંથી રવાના થયેલી બે નાવ બંગાળની ખાડીમાં ડૂબી ગઈ હોવાની શક્યતા છે. એક નાવમાં ૨૫૦ લોકો સવાર હતા. એ બોટ બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પોમાં આવવા નીકળી હતી. બોટ રવાના થઈ તેની થોડી કલાકો પછી એનો સંપર્ક તૂટી ગયો હતો.એક બોટ રવાના થઈ તેની પાછળ પાછળ ૨૮૦ લોકો સાથે બીજી બોટ પણ રવાના થઈ હતી. મ્યાંમારના અયેયારવાડીના તટેથી આ બોટ રવાના થઈ હતી અને તે પણ બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પમાં જવા નીકળી હતી.

એ પણ ગુમ થઈ ગઈ હતી. સંભવતઃ આ નાવ ડૂબી ગયાની શક્યતા છે. બંનેમાં મળીને લગભગ ૫૩૦નાં મોત થયાની આશંકા યુએને વ્યક્ત કરી હતી. ચોમાસાના કારણે બંગાળની ખાડીનું વાતાવરણ વારંવાર બદલાઈ જતું હોય છે એટલે આ સીઝનમાં દરિયાઈ પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે, છતાં દર વર્ષે જીવ જોખમમાં મૂકીને રોહિંગ્યા દરિયાઈ સફર ખેડે છે. ૨૦૨૫માં આ રીતે ૯૦૦ રોહિંગ્યાનાં મોત થયા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.