Western Times News

Gujarati News

હવે રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લૉકમાં પહોંચી ‘દૂધ સંજીવની યોજના’

કુપોષણ સામે ગુજરાતનો વધુ એક ‘પોષણ પ્રહાર’ : 

Ø દૂધ સંજીવની યોજનાનું બાકી રહેલા 53 ICDS બ્લૉક સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય

Ø લાભાર્થીઓને વધુ ફૅટ ધરાવતું દૂધ આપવાના પાયલૉટ પ્રોજેક્ટની 5 જિલ્લાઓમાં શરુઆત

Ø રૂ. 38 કરોડથી વધુની જોગવાઈ સાથે બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને મળશે નવી તાકાત

ગુજરાતના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ‘દૂધ સંજીવની યોજના’ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોના લોકો અને ખાસકરીને નબળા વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા આ નિર્ણયની સાથે જ કુપોષણ વિરોધી લડતમાં મહત્વની ભૂમિકા ભજવતી દૂધ સંજીવની યોજના હવે રાજ્યના તમામ આદિજાતિ ICDS બ્લૉકમાં લાગુ થઈ ગઈ છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ અંગે એક ઠરાવ પણ કરી દીધો છે કે જેના અંતર્ગત આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજનાનુ વિસ્તરણ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ; પહેલી વાર યોજનાના લાભાર્થીઓ માટે હાઈ-ફેટ ફોર્ટિફાઇડ દૂધના પાયલોટ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. પરિણામે હવે આદિવાસી વિસ્તારોના વધુ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુધી વધુ પૌષ્ટિક અને પોષણયુક્ત દૂધ પહોંચશે.

નોંધનીય છે કે દૂધ સંજીવની યોજનાની શરૂઆત 24 ડિસેમ્બર, 2009ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માત્ર 6 આદિજાતિ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવી હતી. તેના હેઠળ લાભાર્થીઓને 200 મિલીલીટર ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.

5 વર્ષમાં 6થી 20 જિલ્લા સુધી પહોંચી યોજના

આંગણવાડીમાં આવતા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને નિયમિત ફોર્ટિફાઇડ દૂધ આપીને કુપોષણનો દર ઘટાડવાના મુખ્ય હેતુ સાથે શરૂ કરાયેલી યોજનાના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને યોજનાનું સતત વિસ્તરણ થતું રહ્યું અને 5 વર્ષમાં યોજના 6થી 20 જિલ્લા સુધી પહોંચી ગઈ. યોજના હેઠળ વર્ષ 2014માં વધુ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ICDS ઘટકો તથા 20 વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ કરાયો 2016થી આ યોજનામાં સહકારી ડૅરી ક્ષેત્રને પણ જોડવામાં આવ્યું અને બનાસ, અમૂલ, સુમુલ, માહી સહિત રાજ્યની વિવિધ સહકારી ડૅરીઓ દ્વારા ફોર્ટિફાઇડ દૂધનું ઉત્પાદન અને પુરવઠો શરૂ થયો. આ સહકારના કારણે યોજના વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બની.

હાલમાં દૂધ સંજીવની યોજના મુખ્યત્વે રાજ્યના 20 જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા મુખ્ય આદિજાતિ જિલ્લાઓ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ, ખેડા, જામનગર અને બોટાદના પસંદગીના વિકાસશીલ વિસ્તારોમાં લાગુ હતી, પરંતુ હજી પણ 53 ICDS બ્લૉકમાં યોજના લાગુ નહોતી.

બાકી 53 ICDS બ્લૉકના સમાવેશ અને ફૅટ વધારાને મંજૂરી

દરમિયાન ICDS કમિશ્નરની કચેરી દ્વારા યોજના હેઠળ બાકી રહેલા 53 ICDS બ્લૉકનો સમાવેશ કરવા તથા લાભાર્થીઓને અપાતાં દૂધના ફૅટનું પ્રમાણ 4.5 (9 ગ્રામ) કરવાની દરખાસ્ત કરવામાં આવી. આ દરખાસ્ત પર કાર્યવાહી કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ પસાર કરી બાકી રહેલા 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજના લાગુ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ; આ યોજના હવે રાજ્યના તમામ ICDS બ્લૉકમાં લાગુ થઈ ગઈ છે. રાજ્ય સરકારના 100 ટકા ખર્ચે 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજના શરૂ કરવાના નિર્ણયથી હજારો નવા લાભાર્થી બાળકો અને માતાઓ યોજનાના દાયરામાં આવશે અને આદિજાતિ વિસ્તારોમાં પોષણની સમાન ઉપલબ્ધિ સુનિશ્ચિત થશે.

એટલું જ નહીં; ઠરાવ મુજબ હવે યોજનામાં દુધની ગુણવત્તાનો પણ નવો માપદંડ ઉમેરાયો છે. અત્યાર સુધી આપાતા ફોર્ટિફાઇડ દૂધમાં 1.5 ટકા ફેટ હતું. હવે પસંદગીના જિલ્લાઓમાં વધુ ચરબીયુક્ત દૂધ આપવાનો પાયલૉટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. તેમાં નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લામાં 3 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે; જ્યારે વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 4.5 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે. આ વધારાનું ફૅટ બાળકોના શારીરિક વિકાસ, ઊર્જા અને પોષણની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવામાં મદદરૂપ બનશે.

રૂ. 38.0125 કરોડની જોગવાઈ સાથે પારદર્શકતા પર ભાર

રાજ્ય સરકારે આ વિસ્તરણ માટે અંદાજે રૂ. 37.709 કરોડની જોગવાઈ કરી છે, જ્યારે હાઈ-ફેટ પાયલૉટ પ્રોજેક્ટ માટે અલગથી રૂ. 0.3035 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે.

યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાઈ રહે; તે માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓને ઑનલાઈન બનાવવામાં આવશે, જરૂરી ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવશે, નાણાકીય સહાય DBT પદ્ધતિથી આપવામાં આવશે અને સમયાંતરે સોશિયલ ઓડિટ તથા થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ ફરજિયાત રહેશે. આથી યોજનાનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે; તે સુનિશ્ચિત થશે.

દૂધ સંજીવની યોજના માત્ર દૂધ વિતરણની યોજના નથી, પરંતુ ગુજરાતના આગામી પેઢીના આરોગ્યમાં કરવામાં આવતું એક લાંબા ગાળાનું રોકાણ છે. કુપોષણ સામેની લડત, માતા અને બાળકના આરોગ્યમાં સુધારો, આદિજાતિ વિસ્તારોમાં પોષણની સમાન તક અને સહકારી ડૅરી વ્યવસ્થાનો સફળ ઉપયોગ; આ તમામ બાબતોને એક સાથે જોડતી આ યોજના હવે નવા તબક્કામાં પ્રવેશી છે. બાકી રહેલા તમામ ICDS બ્લૉક સુધી વિસ્તરણ અને હાઈ-ફેટ દૂધના પ્રયોગ સાથે ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના કોઈપણ બાળકનું ભવિષ્ય પોષણના અભાવે નબળું ન પડે; તે માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.