અમદાવાદમાં ડમ્પરચાલકો બેફામઃ વધુ એક અકસ્માતમાં 1 વર્ષની બાળકીનું મોત
AI Image
અમદાવાદમાં ર૦ર૧થી ર૦રપ સુધીમાં ભારે વાહનો પૈકી ડમ્પરથી કુલ ૧૪પ અકસ્માત સર્જાયા હતા. જેમાં ૭૬થી વધુ લોકોના મોત નીપજયા હતા.
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ભારે વાહનો અને તેમાં ખાસ કરીને ડમ્પરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહયો છે. પોલીસના આશીર્વાદથી ડમ્પરના ચાલકે બેફામ બનીને લોકોના જીવ લઈ રહયા હોવાથી વધુ એક ઘટના બનવા પામી છે.
નારોલ પીપળજમાં એક પરીવાર સહીતના અન્ય લોકો કંપનીની બહાર સુતા હતા. ત્યારે પુરઝડપે ડમ્પર ચલાવીને આવનાર ચાલકે અહી સુતેલા લોકો પર ડમ્પર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં પતી-પત્નીને ઈજાઓ પહોચી હતી અને જયારે તેમની એક વર્ષની માસુમ બાળકી પર ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત નીપજયું હતું.
ડમ્પરનો ચાલકે ત્યાં જ વાહન મુકીને નાસી જતા કે ડીવીઝન ટ્રાફીક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. શહેર ટ્રાફીક વિભાગના ઉચ્ચ્ અધિકારીઓને આર્થિક હર્ષ અપાવવા બેફામ બનેલા પોલીસકર્મીની મંજુરીથી શહેરમાં બિનદાસ્ત ડમ્પરો માતેલા સાંઢની માફક ફરી રહયા છે.
વર્ષ ર૦ર૧થી ર૦રપ સુધીમાં ભારે વાહનો પૈકી ડમ્પરથી કુલ ૧૪પ અકસ્માત સર્જાયા હતા. જેમાં ૭૬થી વધુ લોકોના મોત નીપજયા હતા. જયારે પ૦થી વધુ લોકોને ગંભીર જયારે ૧૯થી વધુ લોકોને સામાન્ય ઈજાઓ પહોચી હતી. ટ્રાફીક વિભાગ ડમ્પરચાલકોના શરણે હોવાથી વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.
જેમાં એક વર્ષની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. મુળ રાજસ્થાનનો ર૦ વર્ષીય રાજેશ બાગરીયચા પીપળજ ગામમાં આવેલી એક કંપનીની બહાર તેના ગામના બીજા લોકો તથા પત્ની આરતી અને એક વર્ષની પુત્રી લક્ષ્મી સાથે જમી પરવારીને સુઈ ગયા હતા.
અચાનક રાત્રે સાડા ત્રણ વાગે ડમ્પરના ચાલકે પુરઝડપે આવીને રાજેશ તેની પત્ની અને બાળકીને અડફેટે લીધા હતા. એક વર્ષીય લક્ષ્મીના મોઢા પર ડમ્પરના ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.
