Western Times News

Gujarati News

મેટાએ મેટરનિટી જેવી રજા લેનારાને જ છૂટા કરવા એઆઇનો ઉપયોગ કર્યાે

અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં કંપનીના જ પૂર્વ અને વર્તમાન કર્મચારીઓને ભેદભાવના દાવા સાથે અરજી કરાઈ

મેટા આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓની છટણી કરશે

વોશિંગ્ટન,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ અનેક લોકોની નોકરી ભરખી ગયું છે. એઆઇનો ઉપયોગ માત્ર કર્મચારીઓનું કામ છીનવી લેવા માટે નથી થઇ રહ્યો હવે તો જે છટણી માટે કર્મચારીઓની પસંદગી કરવા પણ એઆઇનો ઉપયોગ થવા લાગ્યો છે. આવો જ એક મામલો અમેરિકાની કોર્ટમાં પહોંચ્યો છે જેમાં દાવો કરાયો છે કે મેડિકલ લીવ પર ગયેલા કર્મચારીઓની છટણી માટે પસંદગી કરવા મેટાએ એઆઇનો ઉપયોગ કર્યાે જે ભેદભાવ છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ સાથે જોડાયેલી માર્ક ઝુકરબર્ગની કંપની મેટા સામે અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં કંપનીના જ પૂર્વ અને વર્તમાન કર્મચારીઓને ભેદભાવના દાવા સાથે અરજી કરી છે. કર્મચારીઓનો આરોપ છે કે મેટા કંપની છટણી માટે કર્મચારીઓની પસંદગી કરવા એઆઇનો ઉપયોગ કરી છે, જેમાં એવા કર્મચારીઓને વિશેષ ટાર્ગેટ કરવામાં આવે છે કે જેઓએ ઇમર્જન્સી અથવા મેડિકલ કારણોસર રજા લીધી હોય. મેટા આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે.

મેટા સામે કોર્ટમાં ફરિયાદ કરનારા કર્મચારીઓમાં એવા પણ સામેલ છે કે જેઓએ મેટરનિટી, સ્વાસ્થ્ય સંબંધી રજાઓ લીધી હતી, રજાના આ સમયગાળા દરમિયાન તેઓ કામ નહોતા કરી શક્યા તેથી તેમનો કામકાજનો રિપોર્ટ તૈયાર કરાયો તેમાં તેમને નબળા દર્શાવવામાં આવ્યા. કેટલાક કર્મચારીઓ એવા છે કે જેમનું સ્વાસ્થ્ય બહુ જ ખરાબ હતું અને રજા લીધી હતી. આ રજાઓ મેટાએ ખુદ મંજૂર કરી હતી. એક કર્મચારીનો દાવો હતો કે તે દિવ્યાંગ હોવા છતા તેના માટે મેટા દ્વારા યોગ્ય વ્યવસ્થા નહોતી કરવામાં આવી. જે પણ કર્મચારીઓએ મેટા સામે કેસ કર્યાે છે તેમાંથી મોટાભાગના એવા છે કે જેમણે મેટરનિટી લીવ લીધી હતી.

જેમાં મહિલાઓ વધુ છે. મેટાએ આવા લોકોને ટાર્ગેટ કરીને અમેરિકાના કાયદાઓનો ભંગ કર્યાે છે જેમાં ફેમિલી એન્ડ મેડિકલ લીવ એક્ટ, અમેરિકન્સ ડિસએબિલિટી એક્ટ, પ્રસુતિ સાથે સંકળાયેલા ભેદભાવનો કાયદો, ગર્ભવતી કર્મચારીઓ માટેના કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.