શેરબજારમાં રોકાણના નામે સેલ્સ ટેક્સના નિવૃત્ત અધિકારી સાથે ૭ લાખનું સાયબર ફ્રોડ
વિવિધ ચાર્જના નામે ગઠિયાએ લાખો રૂપિયા પડાવ્યા
નિવૃત્ત અધિકારીએ આ મામલે વિરમગામ ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ,સેલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી સાથે સાયબર ફ્રોડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નિવૃત્ત અધિકારીએ ફેસબુકમાં શેરબજારમાં રોકાણની સામે વધુ નફો મળશે તેવી જાહેરાત જોયા બાદ તેમાં આપેલા નંબર પર ફોન કર્યાે હતો. જે બાદ ગઠિયાએ તેમની પાસે શેરની ખરીદી કરાવી અને આઇપીઓ ભરાવ્યો હતો. જેમાં શેર એલોટ થયા બાદ વિવિધ રકમ ભરવાના નામે ૭.૪૮ લાખ પડાવી સાયબર ફ્રોડ આચર્યું હતું.
સેલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી વિરમગામમાં રહે છે. તેમના બેંક ખાતામાં ગ્રેજ્યુએટી, બચત અને પેન્શનના નાણાં રાખ્યા હતા. ગત મીએ નિવૃત્ત અધિકારીએ ફેસબુકમાં શેરબજારમાં રોકાણની જાહેરાત જોઇ હતી. જેમાં રોકાણની સામે મોટું વળતર આપવાની ટીપ્સ હતી. જેથી તેમાં આપેલા નંબર પર ફોન કરતા આનંદ રાઠી એડવાઇઝરીમાંથી મંગલમ ગણેશ નામથી ગઠિયાએ વાત કરીને એક લિંક મોકલી હતી. તેમાં કેટલીક માહિતી ભરાવીને ૧૦ હજારના શેર ખરીદી કરાવ્યા હતા. નિવૃત્ત અધિકારીને રૂ.૫૦૦નો નફો મળતા તે રકમ તેમણે વિડ્રો કરી હતી.
ત્યારબાદ ૫૦ હજારનો આઇપીઓ ભરતા ૨.૧૫ લાખની કિંમતના શેર એલોટ થયા હતા. જેમાં બાકીની ડિફરન્સની રકમ ભરશો તો જ રકમ વિડ્રો થઇ શકશે તેમ કહીને ગઠિયાએ ૧.૬૫ લાખ ભરાવ્યા હતા. જે બાદ તમામ નાણાં વિડ્રો કરવા ૩૦ ટકા લેખે ૧.૪૬ લાખ, ઇન્કમટેક્સના ૨૦ ટકા લેખે ૯૭ હજાર એમ વિવિધ ચાર્જના નામે ગઠિયાએ કુલ રૂ. ૭.૪૮ લાખ પડાવીને સાયબર ફ્રોડ આચર્યુ હતું. નિવૃત્ત અધિકારીએ આ મામલે વિરમગામ ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
