Western Times News

Gujarati News

છૂટાછેડા બાદ પતિએ બીજા લગ્ન કરી લેતાં પત્નીની અપીલઃ HCનો સ્ટે

પતિએ ભરણપોષણના ૪૦ લાખ પણ ચુકવી દીધાં પત્નીએ છૂટાછેડાનો આદેશ પડકાર્યાે

એ જ દિવસે પતિએ બીજા લગ્ન કરી લીધાં હોવાનો વિચિત્ર મામલો

અમદાવાદ, હાઇકોર્ટ સમક્ષ એક અત્યંત વિચિત્ર કિસ્સો આવ્યો છે. જેમાં ફેમિલી કોર્ટે આપેલાં છૂટાછેડાના આદેશ સામે પત્નીએ જે દિવસે અપીલ કરી, એ જ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. હાઇકોર્ટ સમક્ષ આ મામલો પહોંચતા જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે એવું અવલોકન કર્યું હતું કે પતિની જે સમયનો ઉપયોગ કર્યાે છે એ એક રીતે પત્નીના છૂટાછેડાને પડકારવાના હક ઉપર તરાપ છે. તેથી જ્યાં સુધી પત્નીએ કરેલી અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી છૂટાછેડાના આદેશ પર સ્ટે આપવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચેના છૂટાછેડાના અનેક મામલા કાનૂની દાવપેચમાં ફસાઇ જતાં હોય છે, પરંતુ આ કિસ્સો ખૂબ જ વિચિત્ર અને અસામાન્ય છે.

જેમાં સામે આવેલી હકીકત મુજબ ૧૫મી મે ૨૦૨૪ના રોજ પતિને ફેમિલી કોર્ટે છૂટાછેડાનો આદેશ આપ્યો હતો અને છૂટાછેડા ક્‰રતાના ગ્રાઉન્ડ પર અપાયા હતા. છૂટાછેડાના આદેશ સાથે કોર્ટે ભરણપોષણ પેટે કુલ ૪૦ લાખ ચૂકવવાનો હુકમ કર્યાે હતો. જે પૈકી ૨૫ લાખ પત્ની અને ૧૫ લાખ પુત્રની તબીબી સારવાર માટે હતા. પુત્રને કિડનીની બીમારી હોઇ તેને ડાયાલિસિસ સહિતના ખર્ચ માટે આ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પત્નીએ છૂટાછેડાનો આદેશ પડકાર્યાે હતો અને ૨૪મી મે ૨૦૨૪ના રોજ તેને આદેશની નકલ મળતાં તેણે ૧૧મી જુલાઇએ અપીલ નોટરાઇઝડ કરાવી હતી અને ૧૫મી જુલાઇએ તે દાખલ કરી દીધી હતી.

જોકે પતિએ પત્નીની અપીલ દાખલ થાય એની વાટ પણ જોઇ નહોતી અને ૧૧મી જુલાઇએ જ બીજી મહિલા સાથે બીજા લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નની નોંધણી ૧૫મી જુલાઇએ થઇ હતી, જે દિવસે અપીલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. પતિએ ફેમિલી કોર્ટના આદેશ અનુસાર ભરણપોષણના ૪૦ લાખ પણ ચુકવી દીધાં હતાં. આ મામલે પત્નીએ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી ફર્સ્ટ અપીલ ઉપરાંત એક સ્પેશિયલ અરજી કરી હતી અને પતિ દ્વારા કરવામાં આવેલાં બીજા લગ્નના પગલે છૂટાછેડાના આદેશ પર સ્ટેની માંગ કરી હતી. પત્નીના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે,કોઇ પણ વ્યક્તિ ઉતાવળિયા લગ્ન કરીને કોઇના પણ છૂટાછેડાના આદેશ સામે અપીલ કરવાના કાયદેસરના વિકલ્પ ઉપર તરાપ મારી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે પણ આ મતનો સ્વીકાર કર્યાે છે. બીજી તરફ પતિના એડવોકેટની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટના તાજેતરના એક ચુકાદા અન્વયે જો કોઇ વ્યક્તિ છૂટાછેડા સામેની અપીલ પેન્ડિંગ હોય એ દરમિયાન બીજા લગ્ન કરી લે, તો એ લગ્ન અમાન્ય થઇ જતાં નથી. આવા સંજોગોમાં ફેમિલી કોર્ટના આદેશના અમલના ભાગરૂપે પતિએ ભરણપોષણની પૂર્ણ રકમ ચુકવી દીધી હોય ત્યારે છૂટાછેડાના આદેશ પર રોક લગાવી શકાય નહીં. હાઇકોર્ટની ખંડપીઠે હાલના સંજોગોમાં બીજા લગ્નની માન્યતા અંગે કોઇ નિર્ણય લીધો નથી.

પરંતુ કોર્ટે પતિએ કરેલા બીજા લગ્નના ટાઇમિંગ્સને શંકાસ્પદ જણાવ્યું હતું. સાથે જ જ્યાં સુધી પત્નીની અપીલનો અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી છૂટાછેડા પર સ્ટે મૂક્યો છે. જોકે હાઇકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ આદેશ માત્રને માત્ર ફેમિલી કોર્ટના આદેશ પર સ્ટે માટેનો છે અને એના અવલોકન પ્રથમદ્રષ્ટયા છે. અલબત્ત, આ આદેશ મૂળ અપીલની કાર્યવાહીમાં કોઇ રીતે બાધક રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.