Western Times News

Gujarati News

બાગેશ્વર મહારાજના ભાઈ શાલિગ્રામ ગર્ગની ધરપકડ

જમીન વિવાદના મામલામાં ગોળી મારવાનો આરોપ

અગાઉ પણ શાલિગ્રામ પર પિસ્તોલ લહેરાવવા, ધમકી આપવા, મારપીટ કરવા અને ટોલ કર્મચારીઓ સાથે વિવાદ કરવાના આરોપો લાગી ચૂક્યા છે

નવી દિલ્હી,મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં જમીન વિવાદ સાથે જોડાયેલા એક મામલામાં બાબા બાગેશ્વર મહારાજના ભાઈ શાલિગ્રામ ગર્ગની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલામાં અંકિત મિશ્રાને પણ કસ્ટડીમાં લીધો છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ, તેમને રાજનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.મળતી માહિતી મુજબ, આ ઘટના ૧૪ જુલાઈના રોજ બપોરે આશરે ૩ વાગ્યે બની હોવાનું કહેવાય છે.

રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડા ગામના રહેવાસી મોતીલાલ કુશવાહાએ આરોપ લગાવ્યો છે કે, તે પોતાના સાથીઓ સાથે ગામમાં હાજર હતો. આ દરમિયાન શાલિગ્રામ ગર્ગ પોતાના સાથી સતીષ, આશિષ અને એક અન્ય વ્યક્તિ સાથે ત્યાં પહોંચ્યો હતો. પીડિતનો આરોપ છે કે, આરોપીઓએ આવતાની સાથે જ ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને લાકડીઓથી મારપીટ કરી હતી. એવો પણ આરોપ છે કે, આ દરમિયાન ૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટના અંગે એડિશનલ એસપી આદિત્ય પટલે જણાવ્યું હતું કે, ‘શાલિગ્રામ ગર્ગ અને અંકિત મિશ્રાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે, અને એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે, અને રાજનગર પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે, અને જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.’ઉલ્લેખનીય છે કે, શાલિગ્રામ ગર્ગનું નામ આ પહેલા પણ અનેક વિવાદોમાં સામે આવી ચૂક્યું છે. અગાઉ પણ તેમના પર પિસ્તોલ લહેરાવવા, ધમકી આપવા, મારપીટ કરવા અને ટોલ કર્મચારીઓ સાથે વિવાદ કરવાના આરોપો લાગી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.