બિન મુસ્લિમ સાથે લગ્ન માટે આમિર સામે મૌલવીનો ફતવો
આમિરના લગ્નનો વિવાદ વકર્યો
ગૌરી, કિરણ કે રીનામાંથી કોઇએ પોતાનો ધર્મ બદલ્યો નથી. કેમ કે અમારા સિવિલ મેરેજ હતા ઃ આમિર ખાન
મુંબઈ,ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન કર્યાના થોડા દિવસમાં જ આમિરખાન સામે મૌલવીઓએ ફતવો બહાર પાડયો છે. મુસ્લિમ પર્સનલ દારૂલ ઇફતાના શાહી મુખ્ય મુફ્તિ મૌલાના ચૌધરી ઇબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે શરિયા અનુસાર આમિરના લગ્ન માન્ય ન ગણાય કેમ કે ગૌરી મુસ્લિમ નથી.જ્યાં સુધી બિન મુસ્લિમ મહિલા ઇસ્લામ અંગીકાર ન કરે ત્યાં સુધી મુસ્લિમ મર્દ તેને પરણી ન શકે.દરમ્યાન મહારાષ્ટ્રના રાજકારણી નિતેશ રાણેએ આમિરખાનને લવ જિહાદનો બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યો હતો.
જ્યારે અયોધ્યાના જગદગુરૂ પરમહંસ આચાર્યએ આમિરખાનને ખતમ કરી નાંખનારના પરિવારને પાંચ કરોડની બક્ષિસ આપવાની જાહેરાત કરી હતી.બીજી તરફ આમિરખાને એક મુલાકાતમાં ચોખવટ કરી હતી કે ગૌરી, કિરણ કે રીનામાંથી કોઇએ પોતાનો ધર્મ બદલ્યો નથી. કેમ કે અમારા સિવિલ મેરેજ હતા. મારી પત્ની ગૌરી સ્પ્રેટ હિન્દુ નહીં પણ ક્રિશ્ચિયન છે. એ પણ એવી ક્રિશ્ચિયન જે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતી નથી.આમિરે જણાવ્યું હતું કે મારા સંબંધો હમેશા પરસ્પર આદર અને અંગત પસંદગી પર નિર્ભર રહ્યા છે, ધાર્મિક વાતો પર નહીં. મારી બે બહેનોના લગ્ન પણ હિન્દુઓ સાથે થયા છે. મારી પુત્રીના લગ્ન પણ એક હિન્દુ સાથે થયા છે. મારા કઝિન મન્સુરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયેલા છે.
