પૂજાએ કાન ડેબ્યૂને ફરી ન કરવા જેવો રસપ્રદ અનુભવ ગણાવ્યો
એડવેન્ચર હું ફરી ક્યારેય અનુભવવા નહીં ઇચ્છું
હું રેડ કાર્પેટને લઈને બહુ જ નર્વસ હતી. પરંતુ ત્યાં પહોંચ્યા પછી અચાનક જ મન બિલકુલ શાંત થઈ ગયું હતું
મુંબઈ,અભિનેત્રી પૂજા હેગડેએ તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન પોતાનાં ૨૦૨૨ના કાન ફિલ્મ ફેસ્ટિવલના ડેબ્યૂ સાથે જોડાયેલો યાદગાર અને પડકારજનક અનુભવ શેર કર્યાે હતો. તેણે જણાવ્યું કે કાન પહોંચતા પહેલાં તેનો અને તેની ટીમનો લગભગ તમામ સામાન ખોવાઈ ગયો હતો, જેના કારણે રેડ કાર્પેટ પર જતાં પહેલાં છેલ્લી ઘડીએ તમામ તૈયારીઓ ફરીથી કરવી પડી હતી.આ ખાસ વાતચીતમાં પૂજાએ કહ્યું, “કાનનો અનુભવ ખરેખર વંટોળ જેવો હતો.
મારો સામાન ખોવાઈ ગયો હતો. મારી તમામ સુટકેસ ગાયબ થઈ ગઈ હતી. મારી ટીમનો સામાન પણ ખોવાઈ ગયો હતો.”તેણે જણાવ્યું કે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી કારણ કે લેન્ડિંગ કર્યા બાદ તરત જ તેને રેડ કાર્પેટ પર હાજરી આપવાની હતી. પૂજાએ કહ્યું, “અમે પહોંચ્યા અને તરત જ રેડ કાર્પેટ પર જવાનું હતું, પરંતુ અમારી પાસે કપડાં નહોતાં, દાગીના નહોતા, મેકઅપ નહોતો, કંઈ જ નહોતું.”પૂજાએ જણાવ્યું કે સમય ખૂબ જ ઓછો હોવાથી તેની ટીમે તાત્કાલિક નવા મેકઅપ પ્રોડક્ટ્સ, જરૂરી સામાન અને અન્ય વસ્તુઓ ખરીદવાની વ્યવસ્થા કરી.“મારી ટીમે બહાર જઈને નવા પ્રોડક્ટ્સ ખરીદ્યાં.
મારે પણ નવું આઉટફિટ ખરીદવું પડ્યું. આખી ઘટના એક એડવેન્ચર જેવી હતી, પરંતુ એવું એડવેન્ચર હું ફરી ક્યારેય અનુભવવા નહીં ઇચ્છું.”આ તમામ મુશ્કેલીઓ છતાં પૂજા હેગડે ‘ટોપ ગનઃ મેવરિક’નાં પ્રીમિયર દરમિયાન આકર્ષક ગુલાબી રંગના સ્ટ્રેપલેસ ફેધર ગાઉનમાં કાનના રેડ કાર્પેટ પર જોવા મળી હતી અને તેનાં લૂકનાં ખુબ વખાણ ખયાં હતાં. રેડ કાર્પેટ પર જવાના થોડા સમય પહેલાંની લાગણીઓ યાદ કરતાં પૂજાએ કહ્યું, “હું રેડ કાર્પેટને લઈને બહુ જ નર્વસ હતી. પરંતુ ત્યાં પહોંચ્યા પછી અચાનક જ મન બિલકુલ શાંત થઈ ગયું હતું. હું માત્ર શ્વાસ લેતી રહી અને એ ક્ષણને માણતી રહી.”તેણે ઉમેર્યું કે એકવાર રેડ કાર્પેટ પર પહોંચ્યા બાદ તેણે પાછળ બનેલી તમામ અવ્યવસ્થાને ભુલીને માત્ર તે ખાસ ક્ષણનો આનંદ માણવાનો નિર્ણય કર્યાે હતો.
