ગોંડલમાં બેફામ બનેલા રિક્ષાચાલકોને કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની
પ્રતિકાત્મક
રાજમાર્ગો પર આડેધડ ઊભી રાખી ચક્કાજામ કરતા રિક્ષાચાલકો પાસે પોલીસનું મૌન
ગોંડલ, શહેરમાં દિનબદિન ટ્રાફિક સમસ્યા વધી રહી હોય રાહદારીઓ પરેશાન બન્યા છે. ટ્રાફિક સમસ્યાને કારણે એક સમયના વિખ્યાત પહોળા રાજમાર્ગો હવે સાંકડા બની રહ્યા છે. ટ્રાફિકમાં ઓટો રિક્ષા ખાસ કરીને માથાનો દુઃખાવો સાબિત થઈ રહી છે.
ઓટો રિક્ષા ચાલકો આડેધડ પા‹કગ કરતા હોય વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની વેઠી રહ્યા છે. માંડવી ચોકથી કોલેજ ચોક સુધીનો મહત્ત્વનો ગણાતો રાજમાર્ગ રાહદારીઓથી સતત ધમધમતો હોય છે. માંડવી ચોકથી આગળ ટાઉન હોલ, જેકા ચોક સુધી વાહનો અને રાહદારીઓની ભારે ભીડ રહેતી હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ટાઉન હોલ સામે સટલિયા રિક્ષાના ચાલકો ગુંદાળા ચોકડી કે આશાપુરા ચોકડી સહિતના પેસેન્જરો ભરવા રિક્ષાઓ દુકાનો આગળ ઊભી રાખી ટ્રાફિક અવરોધતા જોવા મળે છે.
ટાઉન હોલ સામે પ્રોવિઝન સ્ટોર, મોલ, બુક સ્ટોર સહિતની દુકાનો આવેલી છે. અહીં સતત ગ્રાહકોની ભીડ જામેલી હોવા છતાં ભીડની પરવા કર્યા વગર રિક્ષા ચાલકો મનફાવે ત્યાં રિક્ષા પા‹કગ કરી દેતા હોય પસાર થતાં અન્ય વાહનો, ટુ વ્હીલર ઉપરાંત રાહદારીઓને પણ આ રિક્ષાઓ નડતરરૂપ બનતા અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને સાંજના સમયે રિક્ષાનેકારણે ટ્રાફિક સમસ્યા ત્રાસદાયક બનતી હોય છે.
જેકા ચોકમાં આ સમયે ટીઆરબી જવાનો ટ્રાફિક વ્યવસ્થા માટે ઊભા હોય છે પરંતુ ટ્રાફિકને અવરોધ રૂપ બનતી રિક્ષા દૂર કરવાની કે ટ્રાફિક જામ ક્લિયર કરવાની કામગીરી કરતા નથી. પોલીસ તંત્ર ટ્રાફિક કામગીરી માત્ર કાગળ ઉપર જ કરતું હોવાનું લોકો અનુભવી રહ્યા છે.
શહેરની ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ સ્ટેશનમાં અનેક લોકદરબાર ભરાયા છે. અનેક રજૂઆતો પણ થઈ હોવા છતાં ટ્રાફિક સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવતો ન હોય લોકો ત્રસ્ત બન્યા છે.
ભીડભાડ વાળી બજારોમાં બાહુબલીઓ પોતાનું ફોરવ્હીલ વાહન પાર્ક કરી ખરીદી કરવા ચાલ્યા જતા હોવાથી રોડ પર પાર્ક કરેલું તેમનું વાહન અન્ય વાહન ચાલકો કે રાહદારીઓને નડતરરૂપ બનવાનથી ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે હોર્નની ચિચિયારીઓ વધુ હેરાનગતિ ઊભી કરે છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોનો ત્રાસ અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
