વૃદ્ધાએ કારખાનાના બાકી પગાર માંગતા માલિક અને તેના મિત્રોએ લાતોથી માર માર્યો
AI Image
(એજન્સી)અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. છુટક મજુરી કરીને પેટીયું રળતી એક ૬૦ વર્ષીય વૃદ્ધાને પોતાના જ બાકી રહેલા પગારના પૈસા માગતા કારખાનાના માલીક તેના ભાઈ અને મિત્રોએ ભેગા મળીને વૃદ્ધાને બેરહેમીપુર્વક માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી વૃદ્ધાને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમરાઈવાડીના શાંતીનગર સત્યમનગર રોડ પર રહેતા ૬૦ વર્ષીય ગંગાબેન મીણા તેઓ અગાઉ રામરાજયનગર પાસે આવેલા અમીતભાઈ ખટીક અને જતીનભાઈ ખટીકના પ્લાસ્ટીકના કારખાનામાં મજુરીકામ કરતા હતા ગત તારીખ ૧ર જુલાઈના રોજ સાંજે તેઓ મજુરીકામ પતાવીને ઘરે પરત ફરી હયા હતા.
ત્યારે રસ્તામાં કારખાના માલીક અમીત ખટીક અને જતીન ખટીક મળ્યા હતા. ગંગાબેને પોતાના બાકી નીકળતા મજુરીના પૈસા માગતા બંને ભાઈઓએ તેમની સાથે ઉચ્ચ બોલાચાલી કરી હતી. ઝઘડો ટાળવા માટે વૃદ્ધ ત્યાંથી સીધા પોતાના ઘરે જતા રહયા હતા.
તે જ રાત્રે આશરે સાતેક વાગે અમીત ખટીક જતીન ખટીક અને તેમનો મીત્ર વિષ્ણુભાઈ ખટીક ગંગાબેનની ઘરની બહાર ધસી આવ્યા હતા. તેઓએ ગંગાબેને ઘરની બહાર બોલાવી તું વારવાર કેમ પગારના પૈસા માગે છે ? તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
ત્યારબાદ ત્રણેય શખ્સોએ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી તેમને નીચેપાડી દીધા હતા અને ગડદાપાટુ તેમજ લાતોનો બેરહેમીપુર્વક માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન ઉશ્કેરાયેલા અમીત ખટીકે જમીન પર પડેલી પથ્થર ઉપાડી ગંગાબેનના મોઢાના ભાગે મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
વૃદ્ધાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેને પગલે ત્રણેય હુમલાખોરોને ત્યાંથી નાસી છુટયા હતા. લોહીલુહાણ હાલતમાં ગંગાબેનને ૧૦૮ એમબ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ સુધી અર્ધબેભાન અવસ્થામાં રહયા હતા. ગઈકાલે ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલના સ્ત્રી વોર્ડમાંથી તેમણે અમીત ખટીક જતીન ખટીક અને વિષ્ણુ ખટીક વિરૂધ્ધ ફરીયાદ નોધાવી છે.
