Western Times News

Gujarati News

આણંદની કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

છેતરપિંડી આચરતાં સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી તપાસ

કંપનીના એકાઉન્ટન્ટના મોબાઈલ ફોનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એપીકે ફાઈલ મોકલ્યા બાદ મેસેજ કરીને રકમ ટ્રાન્સફર કરાવી

આણંદ,આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલી કિર્તીરાજ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના એકાઉન્ટન્ટને એપીકે ફાઈલ મોબાઈલ ફોનમાં મોકલીને શેઠના નામે મેસેજ કરી કોઈ ગઠીયાઓએ રૂ.૧.૫૮ કરોડની રકમ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી દેના પરિવાર સોસાયટીની સામે ગાયત્રી કૃપા, વિવેકાનંદ નગર વિસ્તારમાં રહેતા પરાગભાઈ નિરંજનભાઇ ગોર વર્ષ ૨૦૧૦થી એકાઉન્ટન્ટ તરીકે કેપિટલ કમ્પાઉન્ડ, લોટીયા ભાગોળ પાસે આવેલી કિર્તીરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે.

આ કંપનીના ડિરેક્ટર કિર્તિકુમાર ગોરધનભાઈ પટેલ છે અને તેઓનો મોબાઇલ નંબર પરાગભાઈના મોબાઇલમાં કિર્તીભાઈ કેનેડા નામથી સેવ કરેલો છે. આઠ માસ અગાઉ પરાગભાઈના વોટ્‌સએપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી એક એપીકે ફાઈલ આવી હતી. જે પરાગભાઈએ ઓપન કરી હતી પરંતુ આ ફાઇલ ળોડવાળાની હોવાનું માનીને અજાણ્યો નંબર બ્લોક કરી દીધો હતો.આ પછી ગત તા-૧૦મી જુલાઈના રોજ વોટ્‌સએપ ઉપર કિર્તિભાઈ કેનેડાના નામથી એક મેસેજ આવ્યો હતો. જેથી પરાગભાઈને એવું લાગ્યું હતું કે, આ શેઠનો મેસેજ હશે તેનું ડીપી પણ કીર્તિકુમાર પટેલના ડીપી જેવું જ હતું. અને મેસેજમાં અંગ્રેજીમાં જણાવ્યું હતું કે, તમે ઓફિસે છો, હું મીટીંગમાં છું. આપણી કંપનીમાં હાલ કેટલું બેલેન્સ છે તેમ પૂછતાં જ કંપનીના કરંટ એકાઉન્ટમાં રૂ. ૬૧,૦૬,૪૬૯નું બેલેન્સ હોવાનું જણાવ્યું હતું અને કંપનીની એફ.ડી ૧ કરોડ રૂપિયાની છે તેમ જણાવ્યું હતું.

જેથી સામેથી મેસેજ આવ્યો હતો કે અરજન્ટ રૂ ૬૦ લાખ એચડીએફસી બેંકના આપેલા એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરો. જેથી પરાગભાઈએ આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ તારીખ ૧૩ અને ૧૪ મીના રોજ પણ મેસેજ કરીને ક્લાયન્ટને પૈસા ચૂકવવાના છે તેમ જણાવીને અલગ અલગ રકમ મળીને રૂ.૧.૫૮ કરોડની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગત તારીખ ૧૪ જુલાઈના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પરાગભાઈના શેઠ કિર્તિકુમારના પુત્ર આર્ય સાથે ફોન પર વાતચીત થતાં તેઓને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ રાત્રે આર્ય પટેલ અને કિર્તિકુમારે વાત કરતાં તેમણે આવા કોઈ મેસેજ કર્યા ન હોવાનું જણાવતાં તેઓ ચોંકી ગયા હતા.

આ ફ્રોડ મેસેજ હશે તેથી તેમણે તરત જ સાયબર ક્રાઇમ હેલ્પ નંબર ૧૯૩૦ ઉપર જાણ કરવાનું કહેતા પરાગભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં વોટ્‌સએપ કિર્તિભાઈ કેનેડા પ્રોફાઈલ નીચે નંબર ચેક કરતા ળોડવાળાનો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ પરાગભાઈને તેઓના શેઠના નામે ફોન કરનાર અજાણ્યા ગઠીયાએ તારીખ ૧૦ જુલાઈના રોજ રૂ. ૬૦ લાખ એચડીએફસી બેંકના એકાઉન્ટમાં, ૧૩ જુલાઈના રોજ રૂ. ૭૦ લાખ ઈન્ડુસન્ડ બેંકના એકાઉન્ટમાં, ૧૩ જુલાઈના રોજ રૂ.૧૮ લાખ ઈન્ડુસન્ડ બેંકના એકાઉન્ટમાં અને ૧૪ જુલાઈના રોજ રૂ.૧૦ લાખ આઈડીએફસી ફર્સ્ટ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું માલૂમ પડ્યું છે. જેથી પરાગભાઈએ સાયબર હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આણંદ સાયબર ક્રાઈમ પોલીસમથકમાં પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.