નાઈટ પેટ્રોલીંગમાં પોલીસે પૂછપરછ કરી તો કુટુંબીઓને બોલાવી પોલીસ સ્ટાફ ઉપર હુમલો કર્યો
ભાવનગર, જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ પોલીસ મથક હસ્તક આવતા અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના કુટુંબીને લાકડી સાથે બોલાવી પોલીસ અને GRD જવાન પર હુમલો કરતા સોનગઢ પોલીસમાં બી.એન.એસ. કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રવજીભાઈ કાઠીયા તેમના સ્ટાફના ભૈયપાલસિંહ, GRD આસિફભાઈ અને હોમગાર્ડ જવાન સાથે સરકારી બોલેરોમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તા. 21મી જુલાઈના રોજ મધરાતે 12:30 વાગ્યા આસપાસ અમરગઢ ગામે SBI બેન્ક પાસે એક ઈસમ હીરો સ્પ્લેન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હતો.
પોલીસે તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ અમિતભાઈ ભોળાભાઈ હરણ રહે. અમરગઢ જણાવી “તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી” કહી પોલીસ સાથે જીભાજોડી કરી હતી. અમિતે ઉશ્કેરાઈ જઈ શક્તિસિંહને પકડી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી પોતાના કુટુંબી નિલેશભાઈ રબારીને લાકડી લઈને બોલાવ્યો હતો.
નિલેશ રબારીએ આવીને શક્તિસિંહને માથાના ભાગે લાકડી મારવાનો પ્રયાસ કરતા તેઓ નમી ગયા હતા, પરંતુ વાંસાના ભાગે ઈજા પહોંચી હતી. વચ્ચે પડવા ગયેલા GRD જવાન અજયભાઈ પરમારને પણ મોઢાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા.
સરકારી ગાડીના ચાલક ભૈયપાલસિંહે વચ્ચે પડી અમિતને ઝડપી લીધો હતો, જ્યારે નિલેશ ભાગી છૂટ્યો હતો.આ બનાવ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે આ બનાવ અંગે બી.એન.એસ. કલમ 109(1), 121(1), 118(1), 351(3), 352, 54 તથા જી.પી.એ. 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
