જમાલપુરમાં હપ્તો ઉઘરાવતાં ખાખી વર્દીધારી શખ્સનો વિડીયો વાઈરલ
ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી: અગાઉ હવેલી પોલીસના ત્રણ કર્મી એસીબીના હાથે ઝડપાઈ ચુક્યા છે
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર પોલીસ ઉપર તોડબાજી કે લાંચ લેતી હોવાના આક્ષેપો અવારનવાર થતાં રહે છે. જેમાંથી કેટલાંક સાચા પણ હોય છે આવી વધુ એક ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે જમાલપુરના ખમાસા અને વૈશ્યસભા વિસ્તારમાં એક ખાખી વર્દીધારી ડી સ્ટાફના નામે તોડબાજી કરતો હોવાના આક્ષેપ સાથે કેટલાંક વિડીયો વાઈરલ થતાં લોકોમાં ચર્ચાએ જાેર પકડ્યું છે.
વિડીયોમાં ખાખીવર્દીધારી શખ્સ તવા ફ્રાયવાળા વેપારી પાસેથી રૂપિયા લેતો નજરે પડે છે. આ વ્યક્તિ પોતે ડી સ્ટાફમાં હોવાનું કહીને હપ્તા ઉઘરાવે છે જે ખરેખરમાં હોમગાર્ડ હોવાનું વાઈરલ વિડીયો સાથેના લખાણ દ્વારા જાણવા મળ્યું છે.
આ વિડીયો અંગે જાણકારી મળતાં પોલીસ તથા હોમગાર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ વીડીયો અંગે તપાસ શરૂ કરી છે.
અત્રે નોંધનીય છે કે હવેલી પોલીસ સ્ટેશનના પીસીઆર વાનનાં કર્મચારીઓ ગેરકાયદેસર રીતે લાંચ લેતા કેટલાક સમય અગાઉ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના સકંજામાં આવ્યા હતા ત્યારે વધુ એક વખત હપ્તા ઉઘરાવતા કર્મીનો વીડીયો વાઈરલ થતાં લોકોમાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે જમાલપુર વિસ્તારમાં એપીએમસી આવેલી હોવાથી ટ્રકોની અવરજવર, શાકભાજીના વેપારીઓ ઉપરાંત ખાણી પીણીની પણ અઢળક લારી- દુકાનો આવેલી છે.