શ્રીલંકાએ ભારતને આપ્યો ઝાટકો, હિંદ મહાસાગરમાં પોર્ટ ટર્મિનલ બનાવવાની ડીલ રદ્દ
કોલંબો, શ્રીલંકાએ ભારતને ઝટકો આપતા હિંદ મહાસાગરમાં બનાવવામાં આવી રહેલા મુખ્ય પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની સમજુતી રદ્દ કરી દીધી છે, શ્રીલંકાએ આ સમજુતી ભારત અને જાપાનની સાથે કરી હતી, શ્રીલંકાએ પહેલા ભારત અને જાપાનની સાથે મળીને કોલંબો પોર્ટ પર ઇસ્ટ કન્ટેઇનર ટર્મિનલ બનાવવા માટેનાં કરાર કર્યા હતાં, ભારતે આ કરારનું સન્માન કરવાનું કહ્યું છે.
ભારત માટે આ સમજુતી એટલા માટે મહત્વની છે કેમકે ચીન સતત શ્રીલંકામાં દબદબો બનાવી રહ્યું છે, તે શ્રીલંકાને સતત લોન આપી રહ્યું છે, સ્થિતી એ છે કે નિષ્ણાતોનું કહેવું છે કે શ્રીલંકાની હાલત પણ પાકિસ્તાન જેવી થઇ શકે છે.
આ કરાર હેઠળ ભારત અને જાપાન ટર્મિનલમાં 49 ટકાનાં ભાગીદાર હોત જ્યારે શ્રીલંકાની પોર્ટ ઓથોરિટીની પાસે 51 ટકા હિસ્સો રહેત, પરંતું શ્રીલંકાની સરકારે ઘોષણા કરી કે ઇસ્ટર્ન ટર્મિનલ પર હવે માત્ર શ્રીલંકાની પોર્ટ ઓથોરિટીનો જ અધિકાર પહેશે, શ્રીલંકામાં ગત એક સપ્તાહથી આ ડીલ વિરૂધ્ધ થઇ રહેલા ટ્રેડ યુનિયનોનાં પ્રદર્શન બાદ મહિંદા રાજપક્ષેએ આ કરારમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.
કોલંબો પોર્ટ ટ્રેડ યુનિયન આ સમજુતીની વિરૂધ્ધ હતું તેમનું કહેવું છે આ ઇસીટી પર સંપુર્ણપણે શ્રીલંકાનો જ અધિકાર હોવો જોઇએ.
શ્રીલંકાએ કહ્યું છે કે હવે તે ભારત અને જાપાનનાં રોકાણથી વેસ્ટ કન્ટેઇનર ટર્મિનલ બનાવશે, કોલંબોમાં ભારતીય દુતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત ઇચ્છે છે કે વર્ષ 2019માં ત્રણ દેશો વચ્ચે આ સમજુતીનું પાલન થાય. આ સમજુતી 2019માં થઇ હતી અને તેનાં કેટલાક મહિના બાદ જ શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષે સત્તામાં આવ્યા હતાં.